વરિષ્ઠ ડેમોક્રેટ સાંસદે કહ્યું, પી.એમ. બેન્જામીન નેતાન્યાહુએ ઈઝરાયેલને વૈશ્વિક અછૂતની સ્થિતિમાં મૂકી દીધું છે
- ઈઝરાયેલમાં ફરી ચૂંટણી કરવાની જરૂર છે
- એક સમયે ઈઝરાયેલને પૂરેપૂરો ટેકો આપનાર ડેમોક્રેટ સાંસદ અને મૂળ યહૂદી તેવા શૂમરના વિધાનોથી વ્હાઈટ-હાઉસ દૂર રહ્યું છે
વોશિંગ્ટન (ડીસી) : અમેરિકાની સેનેટમાં બહુમતિના નેતા યક શુમરે કહ્યું હતું કે ઈઝરાયલના વડાપ્રધાન માર્ગ જ ભૂલી ગયા છે. સાથે કહ્યું કે, ગાઝામાં હજ્જારો નાગરિકોના થયેલા મૃત્યુને લીધે ઈઝરાયલ તેના સાથી રાષ્ટ્રો ગુમાવી રહ્યું છે.
આ સાથે તેઓએ ઈઝરાયલમાં ફરી ચૂંટણી યોજવા ઉપર પણ ભાર મુકયો હતો.
ઉલ્લેખનીય છે કે યક-શુમર એક યહૂદી છે અને અમેરિકાના ટોચના નેતાઓ પૈકીના એક છે.
તેઓ મૂળભૂત રીતે યહૂદી છે. એક સમયે તો તેઓ નેતાન્યૂહના ભારે મોટા સમર્થક પણ હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગાઝા પટ્ટીમાં હમાસના થઇ રહેલા કત્લ-એ-આમથી તેઓ નેતાન્યાહુના વિરોધી બની ગયા છે. બુધવારે સેનેટમાં જ આપેલા વક્તવ્યમાં તેઓએ કહ્યું કે, ઈઝરાયલના વડાપ્રધાનની રાજકીય મહેચ્છાઓ જ ઈઝરાયલના શ્રેષ્ઠ હિતો માટે અવરોધરૂપ બની રહી છે. તેઓએ કહ્યું હતું કે, ગાઝા પટ્ટીમાં કત્લ-એ-આમ ચલાવી નેતાન્યૂહે ઈઝરાયલને વૈશ્વિક અછૂતની સ્થિતિમાં મુકી દીધું છે.
શૂમરના આ વિધાનો આવ્યા કે તુર્ત જ વ્હાઈટ હાઉસે પોતાને તે વિધાનોથી દૂર કરી દીધું છે. વ્હાઇટ હાઉસના પ્રવકતા જ્હોન-ડીર્બીએ જણાવ્યું હતું કે સેનેટના પક્ષના નેતાને પોતાના મંતવ્યો રજૂ કરવાનો પૂરેપૂરો અધિકાર છે. પરંતુ વહીવટી તંત્રના અધિકારીઓ તે વિધાનોથી દૂર રહ્યા હતા. સાથે કહ્યું હતું કે, પ્રમુખ બાયડેને થોડા જ દિવસો પૂર્વે ઈઝરાયલને ગાઝા પટ્ટી સ્થિત રફારમાં સેનાને આગળ નહીં ધપાવવા અનુરોધ કર્યો હતો.