અમેરિકાનાં ફીલાડેલ્ફીયામાં છ પ્રવાસીઓ સાથેનું વિમાન રહેણાંક વિસ્તારમાં તૂટી પડયું : અનેકનાં મૃત્યુની ભીતી
- એક ચાઈલ્ડ પેશન્ટ તેની માતા અને અન્ય ચારને લઇ જતું વિમાન શહેરનાં પરા વિસ્તારમાં તૂટી પડતાં અનેક ઘરોને આગ લાગી
ફીલાડેલ્ફીયા (યુ.એસ.) : એક ચાઈલ્ડ પેશન્ટ તેની માતા અને અન્ય ચારને લઇ જતું એક નાનું વિમાન શુક્રવારે સાંજે રન વે ઉપરથી ઉપર ચઢ્યું ત્યાં જ શહેરના બહારના ભાગમાં આવેલાં પરાં વિસ્તારમાં તૂટી પડતાં સળગી ઉઠયું. વિમાનમાં રહેલી દરેક વ્યક્તિઓ તો આગમાં ભડથું થઇ ગઇ હતી, પરંતુ તે આગ બાજુનાં મકાનોને પણ લાગતાં અનેકનાં મૃત્યુ થયાં હોવાની ભીતિ સેવાઈ રહી છે.
ફીલાડેલ્ફિયાનાં એરપોર્ટથી માત્ર ૩ માઇલ જેટલે દૂર આ ગમખ્વાર ઘટના બની હતી. એ એરપોર્ટ ફીલાડેલ્ફીયાનું મુખ્ય એરપોર્ટ નથી, તે અન્ય એરપોર્ટ છે જે મહ્દઅંશે વ્યાપારી વિમાનો કે ચાર્ટર્ડ ફ્લાઇટ્સ માટે જ વપરાય છે.
આ દુર્ઘટનાના ફોટો પરથી જાણી શકાય છે કે વિમાન શહેરના પરાં વિસ્તારમાં તૂટી પડયું હતું.
પેન્સીલવાન્યાના ગવર્નર જોશ શેપિરોએ કહ્યું હતું કે તેણે ફીલાડેલ્ફીયાના મેયર સાથે વાત કરી હતી. તેઓએ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રાહત તથા બચાવ કામગીરી ઉપર દેખરેખ રાખી રહ્યા છે. સૌથી દુઃખદ વાત તો તે છે કે સવારે ૬.૩૦ વાગે ઉપડેલું આ વિમાન રૂઝવેલ્ટ મૉલ પાસેના ભરચક વસ્તી ધરાવતા વિસ્તારમાં તૂટી પડયું હતું. આ ઘટના અંગે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (એનટીએસબી) તપાસ કરી રહી છે.
પ્રમુખ ટ્રમ્પને આ માહિતી મળતાં તેઓએ ઘણું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે નિર્દોષ વ્યક્તિઓએ તેઓના જાન ગુમાવ્યા તે સૌથી વધુ દુઃખદ છે.