ફ્રાન્સે 300 ભારતીયોને લઈ જતું વિમાન અટકાવ્યું, માનવ તસ્કરીની આશંકા
રોમાનિયન ચાર્ટર કંપનીનું પ્લેન નિકારાગુઆ જતું હતું
અમેરિકા-કેનેડામાં ગેરકાયદે રીતે રીતે પ્રવેશવા ભારતીયો મધ્ય અમેરિકન દેશમાં જતા હોવાની સંભાવના
France : સંયુક્ત આરબ અમિરાતથી નિકારાગુઆ જઈ રહેલા રોમાનિયન ચાર્ટર કંપનીના એક વિમાનને ફ્રાન્સે માનવ તસ્કરીની શંકાસ્પદ ગતિવિધિઓના પગલે અટકાવ્યું હતું. આ પ્લેનમાં 300થી વધુ મુસાફરો છે અને તેમાંથી મોટાભાગના ભારતીય મૂળના છે.
વિમાન સંયુક્ત આરબ અમિરાતથી નિકારાગુઆ જઈ રહ્યું હતું
પેરીસ પબ્લિક પ્રોસેક્યુટર કચેરીએ જણાવ્યું હતું કે, રોમાનિયન ચાર્ટર કંપની લિજેન્ડ એરલાઈન્સના વિમાન એ- 340એ ઈંધણ પૂરાવવા માટે વેટરી એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. આ સમયે ગુપ્ત બાતમીના આધારે વિમાનને અટકાવાયું હતું. ઓથોરિટીને બાતમી મળી હતી કે વિમાનમાં લઈ જવાતા પ્રવાસીઓની માનવ તસ્કરી થઈ રહી છે. આ વિમાન સંયુક્ત આરબ અમિરાતથી આવ્યું હતું અને નિકારાગુઆ જઈ રહ્યું હતું. આ વિમાનમાં 303 ભારતીયો હતા. દેશના એન્ટી-ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ “જુનાલ્કો'એ આ કેસની તપાસ હાથ ધરી છે. આ કેસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ વિમાનમાં પ્રવાસ કરી રહેલા ભારતીયો અમેરિકા અથવા કેનેડામાં ગેરકાયદે પ્રવેશ મેળવવા માટે મધ્ય અમેરિકાના દેશમાં જઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે.
શું કહેવું છે એરલાઇન્સનું ?
લિલિયાના બકાયોકોએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 'લેજેન્ડ એરલાઈન્સે કંઈ ખોટું કર્યું નથી અને ફ્રેન્ચ ઓથોરિટી તપાસ કરી રહ્યા છે, પરંતુ જો આ મામલે કેસ દાખલ કરવામાં આવશે તો એરલાઈન્સ પણ કાનૂની કાર્યવાહી કરશે.' લિજેન્ડ એરલાઈન્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું બહાર પડાયું નથી. બકાયોકોએ જણાવ્યું હતું કે એક ગ્રાહકે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યું હતું અને તે જ ગ્રાહકે તમામ મુસાફરોના દસ્તાવેજો વેરિફાઈ કર્યા હતા. ગ્રાહકે ફ્લાઇટ ઉપડ્યાના 48 કલાક પહેલા જ એરલાઇનનો સંપર્ક કર્યો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ફ્રેન્ચ પોલીસે બે મુસાફરોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. આપને જણાવી દઈએ કે ફ્રાન્સમાં માનવ તસ્કરીમાં દોષી સાબિત થવા પર 20 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.