VIDEO | રન-વેની જગ્યાએ રસ્તા પર ઊતરી ગયું વિમાન, થઈ ગયા બે ટુકડાં, 4 ઘાયલ
Texas Plane Landed on Highway: અમેરિકાના ટેક્સાસમાં ગઈકાલે બુધવારે એક પ્લેન લેન્ડિંગ સમયે રનવેના બદલે રસ્તા પર ઉતરી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. રસ્તા પર લેન્ડિંગ કરતાં જ વિમાનના બે ટુકડાં થઈ જતાં અફરાતફરી મચી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હતા. રસ્તા પર લેન્ડિંગ સમયે વિમાને અનેક કારને પણ અડફેટમાં લીધી હતી. દક્ષિણ ટેક્સાસના વિક્ટોરિયા શહેરમાં સ્ટેટ હાઈવે પર આ દુર્ઘટના બની હતી.
આ પણ વાંચોઃ H1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે ગૂડ ન્યૂઝ! વર્ક પરમિટ 540 દિવસ વધારવા અમેરિકા તૈયાર
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
વિક્ટોરિયા પોલીસ વિભાગના ડેપ્યુટી પોલીસ ઈન્સ્પેક્ટર એલાઈન મોયાએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં ચાર લોકોને ઈજા થઈ છે. જો કે, કોઈ મોટી જાનહાનિ ટળી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં ત્રણની સ્થિતિ સ્થિર છે. એકને ગંભીર ઈજાઓ થઈ છે.
ઘટનાની તપાસ શરૂ
મીડિયા રિપોર્ટ અનુસાર, આ એક ટ્વિન એન્જિન પાઈપર પીઈ-31 વિમાન હતું. દુર્ઘટના સમયે માત્ર પાયલોટ જ વિમાનમાં હતો. વિક્ટોરિયા પોલીસ વિભાગ અને એફએએએ દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે. વિમાને ગઈકાલે સવારે 9.52 વાગ્યે વિક્ટોરિયા ક્ષેત્રીય હવાઈ મથકથી ઉડાન ભરી હતી. પાંચ કલાક સુધી હવામાં રહ્યા બાદ અચાનક આ દુર્ઘટના સર્જાઈ હતી.