લિથુઆનિયાનાં વિલ્નિયસમાં વિમાન ઘરમાં ઘૂસી ગયું એકનું મોત : વિમાન જર્મનીનાં લિપઝિગશી આવતું હતું
- 31 વર્ષ જૂનું બોઇંગ-737 વિમાન પેસેન્જર સર્વિસમાંથી પાછું ખેંચી 'કાર્ગો પ્લેન' તરીકે ઉપયોગમાં લેવાતું હતું
નવી દિલ્હી : લિથુઆનિયાનાં પાટનગર વિલ્નિયસમાં આજે (સોમવારે) વહેલી સવારે ૫-૩૦ કલાકે જર્મનીમાં લિપઝિગથી આવતું વિમાન બે માળનાં એક મકાનમાં ઘૂસી જતાં બે વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી, જે પૈકી એકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન થયું હતું. આ માહિતી આપતાં લિથુઆનિયા પબ્લિક બ્રોડકાસ્ટર એલ.આર.ટી.એ એક 'ઈમર્જન્સી ઓફીશ્યલ'ને ટાંકતાં આ માહિતી આપી હતી.
લિથુઆનિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિમાન ડીએચલ કાર્ગો પ્લેન છે.
ફલાઈટ રેડાર-૨૪ દ્વારા પ્રાપ્ત કરાયેલા 'ફલાઈટ-ટ્રેડીંગ-ડેટા' પરથી જાણવા મળ્યું છે કે, આ વિમાન પહેલા એરપોર્ટથી ઉત્તરે ગયું હતું પછી લેન્ડીંગ માટે નીચે ઉતરી રહ્યું હતું ત્યારે ૧.૫ કીમી. (એક માઇલ) જેટલું રન-વેથી દૂર હતું ત્યારે સવારના સાડા પાંચ વાગ્યા હતા, ઠંડી ઘણી હતી. આકાશ વાદળઘેર્યું હતું અને પવનના સુસવાટા ૩૦ માઇલ કલાકની ઝડપે ફુંકાતા હતા તેવી સ્થિતિમાં ઉતરાણ કરવા જતાં વિમાન બે માળનાં એક મકાન સાથે અથડાતાં બે વ્યક્તિઓને ભારે ઈજાઓ થઈ હતી જે પૈકી એકનું સારવાર દરમિયાન નિધન થયું હતું. આ વિમાન માડ્રીડ સ્થિત કોન્ટ્રેક્ટર 'સ્વિફટ એર' દ્વારા ચલાવાઈ રહ્યું હતું.
વિમાન બોઈંગ-૭૩૭ પ્રકારનું છે તે ૩૧ વર્ષ જૂનું હોવાથી પેસેન્જર સર્વિસમાંથી પાછું ખેંચી કાર્ગો સર્વિસમાં લેવાઈ રહ્યું હતું.