Get The App

દક્ષિણ કોરિયામાં વિમાન તૂટી પડયું, 179નાં મોત

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
દક્ષિણ કોરિયામાં વિમાન તૂટી પડયું, 179નાં મોત 1 - image


- દુનિયામાં ૨૪ કલાકમાં ત્રણ વિમાન અકસ્માત : કેનેડા અને નોર્વેમાં બે ઘટનામાં પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ

- એર કેનેડાના વિમાને ૮૦ પ્રવાસી સાથે હેલિફ્લેક્સ એરપોર્ટ પર, નોર્વેમાં કેએલએમના વિમાને ૧૮૨ લોકો સાથે ટોર્પ સેન્ડેફયોર્ડ એરપોર્ટ પર ઉતરાણ કર્યું  

- મુઆન એરપોર્ટ નજીક પક્ષીના ટોળાં સાથે અથડાયા પછી વિમાન બેલી લેન્ડિંગના પ્રયાસમાં ક્રેશ થયું

સિઓલ: દુનિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ દેશોમાં વિમાન અકસ્માતની ત્રણ ઘટના બની, જેમાં દક્ષિણ કોરિયામાં ૧૭૯ લોકોનાં મોત નીપજ્યાં જ્યારે કેનેડા અને નોર્વેમાં વિમાન અકસ્માતોમાં પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. દક્ષિણ કોરિયામાં રવિવારે સવારે ૧૮૧ લોકોને લઈને જઈ રહેલું જેજુ એરનું બોઈંગ ૭૩૭-૮૦૦ વિમાન મુઆન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ સમયે આગળના લેન્ડિંગ ગીયરમાં ખામીના કારણે રનવે પર લપસી જતાં એક દિવાલ સાથે અથડાતા અગનગોળામાં ફેરવાઈ ગયું હતું.

દક્ષિણ કોરિયાના ટ્રાન્સપોર્ટ મિલિટ્રીએ જણાવ્યું હતું કે, થાઈલેન્ડના બેંગકોકથી દક્ષિણ કોરિયા પરત આવી રહેલું જેજુ એરલાઈન્સનું ૧૫ વર્ષ જૂનું બોઈંગ ૭૩૭-૮૦૦નું વિમાન સવારે ૯.૦૩ કલાકે મુઆન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કરી રહ્યું હતું ત્યારે અકસ્માતનો ભોગ બન્યું હતું. આ વિમાનમાં ૧૭૫ પ્રવાસી અને ૬ ક્રૂ સહિત ૧૮૧ લોકો સવાર હતા. 

ઉતરાણ સમયે વિમાનના ફ્રન્ટ લેન્ડિંગ ગીયરમાં ખામી સર્જાવાને કારણે વિમાન બેલી લેન્ડિંગ સમયે રનવે પર લપસી જતાં દિવાલ સાથે અથડાયું હતું, જેને પગલે વિમાનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ૧૭૯ લોકો મોતને ભેટયા હતા. જોકે, ઈમર્જન્સી વર્કર્સે બે ક્રૂને બચાવી લીધા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે, વિમાન આગમાં લપેટાતા કુલ ૧૭૯ લોકો સળગી ગયા હતા, જેમાં ૮૫ મહિલા, ૮૪ પુરુષો અને ૧૦ અન્ય લોકો કે જેમની જાતિ તાત્કાલિક ઓળખી શકાઈ નથી તેમનો સમાવેશ થાય છે. આ સિવાય મૃતકોમાં થાઈલેન્ડના બે નાગરિકોનો પણ સમાવેશ થાય છે. થાઈલેન્ડના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે સિઓલમાં તેમની એમ્બેસીને દક્ષિણ કોરિયન તંત્ર તરફથી મૃતકોમાં બે થાઈ પ્રવાસીઓ હોવાની માહિતી મળી છે. ફાયર એજન્સીએ ઘટના સ્થળે આગ હોલવવા માટે ૩૨ ફાયર ટ્રક્સ અને કેટલાક હેલિકોપ્ટર્સ કામે લગાવ્યા હતા. ૧૫૭૦ ફાયર ફાઈટર્સ, પોલીસ અધિકારીઓ, સૈનિકો અને અન્ય અધિકારીઓ પણ બચાવ કાર્યમાં જોડાયા હતા. 

પ્રાથમિક તપાસમાં વિમાન સાથે પક્ષી અથડાયું હોવાના કારણે લેન્ડિંગ ગીયર ફેલ થઈ ગયું હોવાનું જણાયું છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના અધિકારીઓએ કહ્યું કે, તેમના કોમ્યુનિકેશન રેકોર્ડનું પ્રારંભિક મુલ્યાંકન દર્શાવે છે કે એરપોર્ટ કંટ્રોલ ટાવરે વિમાનને ઉતરાણના થોડાક સમય પહેલાં બર્ડ હીટ અંગે ચેતવણી આપી હતી અને પાયલટને અલગ વિસ્તારમાં ઉતરાણની મંજૂરી આપી હતી.

વિમાન અકસ્માતના વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં જોઈ શકાય છે કે વિમાન તિવ્ર ગતિએ રનવે પર ઉતરાણ કરી રહ્યું છે ત્યારે તેનું લેન્ડિંગ ગીયર બંધ હતું અને વિમાન પાછલા ટાયર પર ઉતરાણ કરતાં લપસી જાય છે અને રન-વેના છેડે કોંક્રિટની એક દિવાલ સાથે ટકરાય છે. ત્યાર બાદ ત્યાં વિસ્ફોટ થાય છે અને આગ લાગે છે.  મુઆન ફાયર સ્ટેશનના વડા લી જેઓન્ગ-હેઓને કહ્યું કે, અકસ્માતમાં વિમાનનો સદંતર નાશ થયો છે. માત્ર તેની પાંખને કાટમાળમાં ઓળખી શકાય તેવી છે.

દક્ષિણ કોરિયામાં વિમાન અકસ્માતના સમાચાર મીડિયામાં ચાલતા હતા તેવા સમયે જ કેનેડાના શહેર હેલિફેક્સમાં એરપોર્ટ પર એર કેનેડાનું એક વિમાનનું પણ ક્રેશ લેન્ડિંગ કરાયું હોવાના સમાચાર ફેલાયા હતા. કેનેડાના હેલિફેક્સ એરપોર્ટ પર એર કેનેડાના એક વિમાને ખતરનાક બેલિ લેન્ડિંગ કર્યું હતું. તૂટેલા લેન્ડિંગ ગીયર સાથે વિમાને ઉતરાણ કરતા તેમાં આગ લાગી ગઈ હતી. જોકે, ઈમર્જન્સી એજન્સીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વિમાનની આગ ઓલવી હતી અને માત્ર બે મિનિટના સમયમાં વિમાનમાં સવાર ૮૦ જેટલા પ્રવાસીઓ અને ક્રૂને સુરક્ષિત બહાર કઢાયા હતા. આ દુર્ઘટના પછી હેલિફેક્સ એરપોર્ટને અસ્થાયી રીતે બંધ કરી દેવાયું હતું.

દરમિયાન નોર્વેના ઓસ્લોમાં પણ એક વિમાન અકસ્માત થયો હતો. કેએલએમના એમસ્ટર્ડમ જતું વિમાન શનિવારે સાંજે ૭.૧૪ કલાકે ટોર્પ સેન્ડેફયોર્ડ એરપોર્ટ પર ઉતર્યું હતું. જોકે, વિમાનમાં સવાર બધા જ ૧૮૨ લોકોનો સુરક્ષિત બચાવ થયો હતો. વિમાને સાંજે ૬.૫૫ કલાકે ઓસ્લોથી ઉડ્ડયન કર્યું હતું, પરંતુ પ્રવાસીઓ અને ક્રૂએ તિવ્ર અવાજ સાંભળવાની માહિતી આપી હતી. કેએલએમ એરલાઈન્સે કહ્યું કે, તિવ્ર અવાજ આવવાના કારણે પાયલટોએ ટોર્પ તરફ વળવું પડયું હતું. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે, પાયલટોએ ડાબા એન્જિનમાંથી ધૂમાડો નીકળતા જોતાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, પાયલટ રનવે પર વિમાન પર નિયંત્રણ જાળવી શક્યો નહીં અને તે રનવે પરથી લપસીને ઘાસમાં રોકાઈ ગયું હતું.

- આ મારો અંતિમ મેસેજ છે  પ્રવાસીનો પરિવારને સંદેશો

દક્ષિણ કોરિયામાં મુઆન એરપોર્ટ પર જેજુ એરલાઈન્સનું વિમાન તૂટી પડયાના સમાચાર ફેલાતા અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારો અને મિત્રો એરપોર્ટ પર દોડી ગયા હતા. જોકે, અકસ્માત પહેલા એક પ્રવાસી જાણે તેનું મોત ભાળી ગયો હોય તેમ તેણે પરિવારને સંદેશો મોકલ્યો કે, આ મારો અંતિમ મેસેજ છે. એક પક્ષી વિમાનની પાંખમાં ફસાઈ ગયું છે અને અમે લેન્ડ કરી શકતા નથી. ધ કોરિયા ટાઈમ્સના રિપોર્ટ મુજબ તેને પૂછવામાં આવ્યું કે કેટલા સમય પહેલાં પક્ષી અથડાયું તો તેણે જવાબ આપ્યો કે હમણાં એકાદ મિનિટ પહેલાં જ... શું હું મારી વસીયત લખી દઉં?

- વિશ્વમાં એરલાઈન્સ માટે ડિસેમ્બર કાળ બન્યો

- ડિસેમ્બર ૨૦૨૪માં વિમાન અકસ્માતોમાં કુલ ૨૩૬નાં મોત

- અઝરબૈજાનમાં ૩૮,  બ્રાઝિલમા એક જ પરિવારના ૧૦, પાપુઆ ન્યુગિનીમાં પાંચ લોકોનાં મોત થયા

નવી દિલ્હી: કેલેન્ડર વર્ષ ૨૦૨૪ પૂરું થવાની ઘડીઓ ગણાઈ રહી છે તેવામાં દક્ષિણ કોરિયામાં રવિવારે એક વિમાન અકસ્માતમાં ૧૭૯ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ સાથે દુનિયામાં ડિસેમ્બર મહિનો વિવિધ એરલાઈન્સ માટે કાળ બન્યો છે. ડિસેમ્બર ૨૦૨૪માં ૬થી વધુ વિમાન અકસ્માતો થયા, જેમાં કુલ ૨૩૬ લોકોનાં મોત નીપજ્યાં છે.

દક્ષિણ કોરિયામાં રવિવારે જેજુ એરલાઈનના વિમાનમાં થયેલી દુર્ઘટનામાં અંદાજે ૧૭૯ લોકોનાં મોત નીપજ્યાં છે. જેજૂ એરનું એક પ્રવાસી વીમાન બેંગકોકથી પાછું ફરી રહ્યું હતું અને પક્ષીઓ સાથે ટકરાયા પછી ઉતરાણ કરતી વખતે પાયલટે વિમાન પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને રનવે પર લપસતા કોંક્રિટની વાડ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ૧૭૯ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પહેલા કઝાખસ્તાનમાં ચાર દિવસ પહેલાં ૨૫ ડિસેમ્બરે અઝરબૈજાન એરલાઈન્સના એમ્બ્રેયર ઈઆરજે-૧૯૦એઆર વિમાન તૂટી પડતાં ૩૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં. વિમાનમાં પાંચ ક્રૂ સહિત કુલ ૬૨ લોકો સવાર હતા. આ વિમાન રશિયાએ તોડી પાડયું હોવાનો પણ દાવો થઈ રહ્યો છે.

આ પહેલા બ્રાઝિલમાં ૨૨ ડિસેમ્બરે ગ્રામાડો શહેરમાં એક ખાનગી વીમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં એક જ પરિવારના ૧૦ સભ્યોનાં મોત નીપજ્યા હતા. આ વિમાન બ્રાઝિલના ઉદ્યોગપતિ લુઈઝ ક્લાઉડિયો ગૈલેઝી ઉડાવી રહ્યા હતા. વિમાનમાં તેમના પત્ની, ત્રણ પુત્રીઓ અને અન્ય સંબંધીઓ હાજર હતા. 

બીજીબાજુ નોર્થ કોસ્ટ એવિએશન દ્વારા સંચાલિત વિમાન પણ ૨૨ ડિસેમ્બરે પાપુઆ ન્યૂ ગિનીમાં તૂટી પડયું હતું, જેમાં પ્રવાસ કરતા બધા જ પાંચ લોકોનાં મોત થઈ ગયા હતા. એ જ રીતે આર્જેન્ટિનાના સેન ફર્નાન્ડો એરપોર્ટ નજીક બોમ્બાર્ડિયર ચેલેન્જર ૩૦૦ દુર્ઘટનાગ્રત થઈ ગયું હતું. આ અકસ્માતમાં બે પાયલોટ માર્યા ગયા હતા. એ જ રીતે વિમાન અકસ્માતની અન્ય એક દુર્ઘટના ૧૭ ડિસેમ્બરે હોનોલૂલૂ પાસે થઈ હતી, જેમાં બંને પાયલોટના મોત નીપજ્યાં હતાં.


Google NewsGoogle News