કઝાખસ્તાનમાં પ્લેન તૂટી પડયું : 30થી વધુનાં મોત, 32 મુસાફરો બચ્યાં
- ઇમરજન્સી લેન્ડિંગ કરતાં પ્લેન તૂટી પડયું
- પક્ષી એન્જિનને અથડાતા ઓક્સિજન ટેન્ક ફાટી ગઈ, તેના લીધે ચાલુ પ્લેનમાં જ કેટલાક બેહોશ થઈ ગયા
મોસ્કો : કઝાખસ્તાનમાં પ્લેન તૂટી પડતાં ૩૦થી વધુના મોત થયા છે અને ૧૧ વર્ષની બાળકી સહિત ૩૨ જેટલા મુસાફરો બચ્યા છે. કઝાખસ્તાનના અકતાઉ શહેરમાં અઝરબૈજાનની એરલાઇન્સના લેન્ડિંગ વખતે આ ઘટના બની હતી. અઝરબૈજાન એરલાઇન્સનું એમ્બ્રેયર ઇ૧૯૦એઆર વિમાન બાકુથી રશિયાના ચેચન્યા જઈ રહ્યુ હતું તે સમયે ઇમરજન્સી લેન્ડિંગ વખતે આ દુર્ઘટના બની હતી.
કઝાખસ્તાનના અધિકારીઓના જણાવ્યા મુજબ આ દુર્ઘટના પક્ષી અથડાવવાના લીધે થઈ. વિમાનના એક એન્જિનને પક્ષી ટકરાતા તેની ઓક્સિજન ટેન્ક ફાટી ગઈ. તેના કારણે વિમાન ક્રેશ થયું તે પહેલા જ ઘણા પ્રવાસીઓ બેહોશ થઈ ગયા હતા. તેના પગલે વિમાને ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી, જે તેને આપી દેવામાં આવી હતી. પ્લેન ઇમરજન્સી લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે જ બચાવ ટુકડીને સાવધ કરી દેવાઈ હતી. તેના લીધે પ્લેનમાં આગ લાગ્યા પછી પણ બચાવ કર્મચારીઓની સતર્કતાના લીધે ઘણા લોકોના જીવ બચાવી શકાયા હતા.
સ્થાનિક મીડિયાએ ઘટનાસ્થળે જીવતા બચેલા લોકોની ફૂટેજ જારી કરી છે. તેમા એક મહિલા સ્તબ્ધ થઈ ગયેલી સ્થિતિમાં જોવા મળી રહી છે, તેને કોઈ ઇજા થઈ નથી. તેને પાછલા હિસ્સામાંથી બહાર કાઢવામાં આવી. આ ઉપરાંત એક બીજો વ્યક્તિ પણ જોવામાં આવી રહ્યો છે, જે લંગડાઈને ચાલી રહ્યો હતો, પરંતુ તેને કોઈ બીજી ઇજા દેખાતી ન હતી. બીજા ધૂંધળા વિડીયોમાં મૃત્યુ પામેલા યાત્રીઓના શબ જોવા મળ્યા હતા.
અગ્નિશામક દળ અને એમ્બ્યુલન્સની ત્વરિત કામગીરીએ લોકોના જીવ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.