VIDEO: અમેરિકાના ફ્લોરિડામાં વિમાન ક્રેશ, ચાર ઘરોમાં લાગી આગ, પાયલોટ સહિત 2ના મોત
આ વિમાન દુર્ઘટનાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી
Plane Crash In America: અમેરિકામાં ફ્લોરિડાના ક્લિયરવોટરમાં મોબાઈલ હોમ પાર્કમાં સિંગલ એન્જિનનું બીચક્રાફ્ટ બોનાન્ઝા વી35 વિમાનને ક્રેશ થયું હતું. ક્રેશ થયા બાદ વિમાનમાં લાગેલી આગે ચાર ઘરને લપેટમાં લઈ લીધી હતી. ફાયરના જવાનોએ આગને કાબુમાં લીધી છે. આ દુર્ઘટનામાં પાયલોટ અને અન્ય એક સ્થાનિક નાગરિકનું મોત થયાના અહેવાલ છે.
વિમાન ક્લિયરવોટર એરપાર્કમાં ઉતરવાનું હતું
ફાયર વિભાગના અધિકારી સ્કોટ એહલર્સે જણાવ્યું હતું કે, 'સિંગલ એન્જિનનું બીચક્રાફ્ટ બોનાન્ઝા વી35 વિમાને ગુરુવારે સાંજે 6.08 વાગ્યે વેરો બીચ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આ ટામ્પા અને સેન્ટ પીટર્સબર્ગ નજીકના શહેર ક્લિયરવોટર એરપાર્કમાં ઉતરવાનું હતું. પરંતુ 62 વર્ષીય પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલ રૂમને એન્જિન ફેલ થવા અંગે જાણ કરી મદદ માટે વિનંતી કરી હતી. ત્યાર બાદ પ્લેન લગભગ 7:15 વાગ્યે બેસાઈડ વોટર્સ મોબાઈલ હોમ પાર્કમાં ક્રેશ થયું હતું.
વિમાનમાં કેટલા મુસાફરો હતા તે જાણી શકાયું નથી
અમેરિકન પોલીસ અધિકારીના જણાવ્યું હતું કે, આ વિમાન દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેનું કારણ હજુ જાણી શકાયું નથી. તે પણ સ્પષ્ટ નથી કે વિમાનમાં પાયલટ સિવાય કેટલા મુસાફરો સવાર હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અકસ્માતના તથ્યો અને સંજોગો નક્કી કરવા માટે સંયુક્ત તપાસ હાથ ધરશે.