કઝાખસ્તાનમાં પ્લેન ક્રેશની દુર્ઘટના અત્યંત દુ:ખદ, ખૂબ દિલગીર છું : પુતિન
- પુતિનની માફી, પણ રશિયાની સંડોવણી સ્વીકારવાનું ટાળ્યું
- યુક્રેને ગ્રોઝની પર હુમલો કર્યો ત્યારે રશિયાએ એર ડિફેન્સ સિસ્ટમ શરુ કરતા પ્લેન તેનો ભોગ બન્યું : અમેરિકા
મોસ્કો : રશિયાના પ્રમુખ વ્લાડીમીર પુતિને અઝરબૈજાનના રાષ્ટપતિ ઇલ્હામ અલીયેવની રશિયાના હવાઈ ક્ષેત્રમાં થયેલા પ્લેન ક્રેશ માટે માફી માંગી છે, પણ તેમણે આ ઘટનામાં રશિયાની સંડોવણીનો ઉલ્લેખ ટાળ્યો હતો. પુતિને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને તેમના કુટુંબને આશ્વાસન આપ્યું હતું. આમ રશિયાએ પ્લેનક્રેશ તેની એર ડિફેન્સના હુમલાથી થયાનુંં આડકતરી રીતે સ્વીકારી લીધું છે.
રશિયાના ક્રેમલિને જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અઝરબૈજાનના વિમાને સલામતીના કારણસર તેનો માર્ગ બદલવો પડયો હતો. આ પ્લેન રશિયા આવ્યું તે સમયે ગ્રોઝની, મોઝદેક અને વ્લાદિકાવઝમાં યુક્રેનના ડ્રોન હુમલો ચાલી રહ્યો હતો, આ હુમલાને નિષ્ક્રિય કરવા માટે રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી.
આ વિમાન ૬૭ પ્રવાસીઓ અને બે પાયલોટ તથા ત્રણ અન્ય ક્રૂ મેમ્બર્સ સાથેનું તે વિમાન આઝરબૈજાનથી ચેચાન્યાના ગ્રોઝની જઈ રહ્યું હતું. તે સમયે ચેચન્યાના ગ્રોઝની પર યુક્રેનનો ડ્રોન હુમલો જારી હતો અને રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ તેનો જવાબ આપી રહી હતી. તેના અનેક શોટ પ્લેનને માળખાને વાગ્યાના ચિત્રો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ ઉપરાંત રશિયાના ચેચેન્યા વિસ્તારના બધા એરપોર્ટને નો ફ્લાય ઝોન જાહેર કરાતા જામર સક્રિય કરી દેવાતા પ્લેનની બધી જ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ જામ થઈ ગઈ હતી. આના લીધે પ્લેન રશિયાના બીજા એરપોર્ટ પર પણ ઉતરવા સક્ષમ રહ્યુ ન હતુ.
આના કારણે વિમાને કઝાખસ્તાનનો માર્ગ પકડવો પડયો હતો. અકતાઉ વિમાનીમથકે ઇમરજન્સી-લેન્ડીંગ કરવા તે વિમાને પરવાનગી માગી હતી. ત્યાં ઉતરતાં તે તૂટી પડયું, આ દુર્ઘટનામાં ૩૮ના મોત થયા છે અને ૨૯ બચ્યા છે.
આ ઘટના અંગે જે વિડીયો પ્રસિદ્ધ થયા છે તેમાં વિમાનમાં ગોળીથી પડેલા છિદ્રો દેખાય છે. તેથી નેટિઝન્સ પણ માનતા કે તે વિમાનને રશિયાની સ્વચાલિત એર-ડીફેન્સ સિસ્ટીમે યુક્રેનનું ડ્રોન માની ગોળીબાર કરતાં વિમાન તૂટી પડયું હશે. તે ગોળીઓના છિદ્રો તો વિમાનની બહારની બાજુએ પણ જોવા મળ્યા છે. અમેરિકાએ તો સ્પષ્ટ જણાવ્યું હતું કે આ પ્લેન રશિયાની એર ડિફેન્સ સિસ્ટમો ભોગ બન્યું છે.