VIDEO: જાપાનમાં લેન્ડિંગ વખતે બે વિમાન ટકરાતા ભયાનક આગ, 379 મુસાફર સવાર હતા, પાંચ ક્રૂના મોત
કોસ્ટ ગાર્ડના વિમાનના પાંચ ક્રૂ મેમ્બર ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં રાહતકાર્ય માટે જતા હતા
Japan Plane Fire: જાપાનના ટોક્યોના હાનેડા એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. અહીં જાપાન એરલાઈન્સનું પેસેન્જર પ્લેન JAL 516 લેન્ડિંગ વખતે ત્યાં પાર્ક કરેલા જાપાન કોસ્ટગાર્ડના એક વિમાન સાથે ટકરાઈ ગયું હતું. આ ઘટના પછી બંને વિમાનોમાં ભયાનક આગ લાગી હતી, જેમાં કોસ્ટગાર્ડના વિમાનના પાંચ ક્રૂ મેમ્બરના મોત થયા હતા. કોસ્ટગાર્ડનું આ વિમાન ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા જઈ રહ્યું હતું.
આ ઘટના વખતે જાપાન એરલાઈન્સના વિમાનમાં 379 મુસાફરો હતા. સદનસીબે આ તમામનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ એરપોર્ટ પર તહેનાત ફાયર વિભાગના કર્મચારીઓએ રન-વે પર દોડી જઈને આગ બુઝાવીને તમામને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જાપાન સરકારે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
જાપાનના સ્થાનિક સમય મુજબ પેસેન્જર વિમાને ચાર વાગ્યે ન્યૂ ચિટોસ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને 5:40 વાગ્યે હાનેડા એરપોર્ટ પર લેન્ડ કર્યું હતું. હનેડા જાપાનના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનુ એક છે. એરપોર્ટ પ્રવક્તાના જણાવ્યાનુસાર, હાલ જાપાનનો આ સૌથી વ્યસ્ત રન-વે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. આ દુર્ઘટના વખતે હજારો લોકો નવા વર્ષની રજાઓના કારણે પ્રવાસ કરી રહ્યા હતા.
જાપાનમાં પહેલી જાન્યુઆરીએ 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
જાપાનમાં નવા વર્ષના પ્રથમ દિવસે આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ જાપાનમાં છેલ્લા 24 જ કલાકમાં ભૂકંપના 155 ઝટકા અનુભવાયા છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયાનો અંદાજ છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ આજે વહેલી સવારે કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હોવાની માહિતી આપી હતી. બીજી તરફ, ભૂકંપ પછી સુનામીની પણ ચેતવણી આપીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જતા રહેવાની અપીલ કરાઈ હતી.