Get The App

તુર્કીમાં રનવે પર ઉતરેલું વિમાન ભડકે બળ્યું, યાત્રિકો ઉતરી ગયા ત્યાં આગ લાગી : સૌ બચી ગયા

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
તુર્કીમાં રનવે પર ઉતરેલું વિમાન ભડકે બળ્યું, યાત્રિકો ઉતરી ગયા ત્યાં આગ લાગી : સૌ બચી ગયા 1 - image


- રશિયન બનાવટનું સુખોઈ-સુપર જેટ ઑવર વર્કડ હતું, વિમાનનું એન્જિન સળગ્યું : એન્ટાલિયા એરપોર્ટ પર ઉતરતાં દુર્ઘટના બની

અંકારા : રશિયન બનાવટનું સુખોઈ-સુપર જેટ વિમાન તુર્કીના એન્તાલિયા એરપોર્ટના રન-વે પર ઉતર્યું કે તુર્ત જ વિમાનમાં એક એન્જિનમાં આગ લાગી હતી. જેનો ભયાવહ વિડીયો જોવા મળે છે. સદ્ભાગ્યે વિમાનમાં રહેલા તમામ ૮૯ યાત્રિકો અને બે પાયલોટ તથા ૪ સહાયકો મળી છએ છ ક્રૂ મેમ્બર્સ પણ ઉતરી જઈ શક્યા હતા અને સર્વે સલામત રહ્યા હતાં.

વાસ્તવમાં આ વિમાન ઓવર વર્કડ હોવાથી તેનું એક એન્જિન સળગી ઊઠયું હતું. ત્યાર પછી જોત જોતામાં વિમાન આગમાં લપેટાઈ ગયું હતું.

આ દુર્ઘટના જોતાં વિમાનગૃહમાં અને કંટ્રોલ ટાવર પર રહેલો ગ્રાઉન્ડ સ્ટાફ પણ હેબતાઈ ગયો હતો. પરંતુ યાત્રિકો અને ક્રૂ સહિસલામત બચી ગયા હોવાથી શાંતિનો શ્વાસ લીધો હતો.

એઝિમથ-એરલાઇન્સનું આ વિમાન રશિયાના સોચીથી તૂર્કીમાં અન્તાલીયા આવી રહ્યું હતું.

આ દુર્ઘટના અંગે અન્તાલિયાના ગવર્નરની ઓફિસના ડેપ્યુટી સુયાન સેચીતોગ્બુએ કહ્યું હતું કે, આગ લાગી કે તુર્ત જ અગ્નિ શામક ફુવારાથી વિમાનને બચાવી લેવાયું હતું. તમામ યાત્રિકો અને ક્રૂ મેમ્બર્સ અલ્લાહની દયાથી બચી ગયા, તે આનંદની વાત છે તેમ તુર્કીયે-ટુડે વર્તમાન પત્રે જણાવ્યું હતું.

તુર્કીનાં મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, રશિયન બનાવટના એસ.યુ.૯૫ પ્રકારનું આ વિમાન રાત્રે ૨૧.૩૪ કલાકે રન-વેને ટચ થયું ત્યારે પાયલોટે ઇમરજન્સી કોલ કરતાં અગ્નિ શામકો સક્રિય કરી દેવાયા હતા. વિમાન રનવે ઉપર ઊભું રહ્યું કે તુર્ત જ આગ ઠારી દેવાઈ હતી.


Google NewsGoogle News