ફ્રાન્સે માનવ તસ્કરીના આરોપમાં અટકાવેલા 303 મુસાફરો સહિતના વિમાનને ઉડાન માટે આપી લીલીઝંડી
બે મુસાફરોને 48 કલાક સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા
ભારતીય નાગરિકોને કોન્સ્યુલર એક્સેસ મળી
image:Pixabay |
Human Trafficking : ફ્રાંસના વેટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકામાં રોકવામાં આવેલા લિજેન્ડ એરલાઈન્સના પ્લેનને આખરે ત્રણ દિવસ બાદ જવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્લેનમાં 96 ગુજરાતી સહિત 303 લોકો સફર કરી રહ્યા હતા. આ પ્લેન વેટ્રી એરપોર્ટ પર ઇંધણ ભરવા માટે લેન્ડ થયું હતું. આ દરમિયાન ફ્રાન્સના અધિકારીઓને માહિતી મળી હતી કે માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને આ પ્લેનમાં લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારબાદ પ્લેનને ટેકઓફ કરવાથી રોકી દેવામાં આવ્યું હતું. વેટ્રી એરપોર્ટ પર રિસેપ્શન હોલને વેઇટિંગ એરિયામાં ફેરવી દેવામાં આવ્યો હતો અને તમામ મુસાફરોને ત્યાં રોકી દેવામાં આવ્યા હતા.
બે મુસાફરોને 48 કલાક સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા
અધિકારીઓના જણાવ્યા મુજબ મુસાફરોને એરપોર્ટના એન્ટ્રી હોલમાં રાખવામાં આવ્યા હતા. આ સાથે હોલને ઢાંકી દેવામાં આવ્યો હતો. પોલીસે આ એરિયામાં અન્ય મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો. પેરિસ પ્રોસીક્યુટરે જણાવ્યું હતું કે શુક્રવારે અટકાયત કરાયેલા બે મુસાફરોને શનિવારે ફરીથી 48 કલાક સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી.
ભારતીય નાગરિકોને કોન્સ્યુલર એક્સેસ મળી
આ ઘટના બાદ એરલાઇન્સના વકીલ લિલિયાના બકાયોકોએ જણાવ્યું હતું કે એરબસ A340ના તમામ ક્રૂ મેમ્બર્સની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમને જવા દેવાયા હતા. તેઓએ અગાઉ કહ્યું હતું કે જો ફરિયાદી એરલાઇન સામે આરોપો દાખલ કરશે તો તેઓ પણ કેસ દાખલ કરશે. પ્લેન રોકવામાં આવ્યાની માહિતી મળ્યા બાદ ભારતીય દૂતાવાસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે પ્લેનમાં સવાર તમામ ભારતીય નાગરિકોને કોન્સ્યુલર એક્સેસ મળી ગઈ છે.