અમેરિકાના નોર્થ કેરોલિનામાં ફરી વિમાન દુર્ઘટના, તમામ મુસાફરોના મૃત્યુ થયાની આશંકા
Plane Accident In USA: અમેરિકામાં ખાનગી વિમાનોના અકસ્માતની ઘટના સામાન્ય બની છે. અવારનવાર ત્યાં કોઈને કોઈ વિમાન દુર્ઘટનાનો ભોગ બની રહ્યું છે. આ વખતે નોર્થ કેરોલિનાના મેંટિઓમાં એક વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું છે. જાણવા મળ્યું છે કે, રાઈટ બ્રધર્સ નેશનલ મેમોરિયલ્સ ફર્સ્ટ ફ્લાઈટ એરપોર્ટ ખાતે સિંગલ એન્જિન ધરાવતાં વિમાનને અકસ્માત નડતાં અનેક લોકોના મોત નીપજ્યા હોવાની આશંકા છે. જો કે, વિમાનમાં કેટલા લોકો સવાર હતા, તેનો આંકડો હજી મળ્યો નથી.
નેશનલ પાર્ક સર્વિસે જણાવ્યા પ્રમાણે, વિમાનમાં મુસાફરી કરતાં તમામ લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા છે. વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. આ દુર્ઘટના શનિવાર સાંજે પાંચ વાગ્યે થઈ હતી. તે સમયે વિમાન લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે અચાનક વિમાનમાં આગ લાગી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. કિલ ડેવિસ હિલ્સ જિલ્લાના ફાયર બ્રિગેડે અને અન્ય સ્થાનિક ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી.
અગાઉ પણ વિમાન દુર્ઘટના
નોર્થ કેરોલિનામાં અવારનવાર વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું છે. અગાઉ ગતવર્ષે એન્જિનમાં ખામી સર્જાતાં બોઈંગ પ્લેનને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. આ વર્ષે જુલાઈમાં પણ દુર્ઘટનાનો ભોગ બનેલા વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો.
એરપોર્ટના કામકાજ બંધ
દુર્ઘટનાના કારણે એરપોર્ટનું સંચાલન હાલ બંધ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ આ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહ્યું છે. વિમાનમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. જે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે.