પાકિસ્તાનમાં અદિયાલા જેલ પર હુમલાનુ કાવતરુ નિષ્ફળ, ઈમરાન ખાન આ જ જેલમાં બંધ છે
image : Socialmedia
ઈસ્લામાબાદ,તા.07 માર્ચ 2024,ગુરૂવાર
પાકિસ્તાનની અદિયાલા જેલ પર હુમલો કરવા માટે રચાયેલા કારસાને પાકિસ્તાનની કાઉન્ટર ટેરરિઝમ ટીમ તેમજ રાવલપિંડી પોલીસે નિષ્ફળ બનાવ્યો હોવાનો દાવો થયો છે.
આ એ જ જેલ છે જ્યાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન તેમજ પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફ પાર્ટીના સ્થાપક ઈમરાન ખાન બંધ છે. પાકિસ્તાનના એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે પોલીસે આ મામલામાં ત્રણ અફઘાન આતંકીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયારો તેમજ દારુગોળાનો મોટો જથ્થો મળી આવ્યો છે. હાલમાં તો આ ત્રણે આતંકીઓની અજાણ્યા સ્થળે પૂછપરછ કરવામાં આવી રહી છે.
રાવલપિંડી પોલીસે કહ્યુ હતુ કે, અદિયાલા જેલ પર હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યુ છે. આતંકીઓ પાસેથી ઓટોમેટિક હથિયાર, હેન્ડ ગ્રેનેડ તેમજ જેલનો નકશો પણ મળી આવ્યો છે. આ કાવતરુ પકડાયા બાદ જેલમાં અને જેલની બહાર મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે.
પોલીસના દાવા બાદ પાકિસ્તાનમાં ચર્ચા શરૂ થઈ છે કે, આ ત્રણ અફઘાન આતંકીઓ અદિયાલા જેલ પર હુમલો કરવા માટે કેમ આવ્યા હતા? તેમનો ઈરાદો જેલમાં ઈમરાનખાનની હત્યા કરવાનો હતો કે પછી કોઈને છોડાવવાનો હતો?
પાકિસ્તાનના પત્રકાર હામિદ મીરે પોલીસના દાવા પર સવાલ ઉઠાવતા કહ્યુ છે કે, ત્રણ લોકો અદિયાલા જેલ તોડી શકે તે વાતમાં દમ નથી. પોલીસે વધારે જાણકારી આપવાની જરૂર છે. બીજી તરફ ઈમરાન ખાનની પાર્ટીએ સરકારને નિશાન બનાવીને કહ્યુ છે કે, અન્ય દેશના આતંકીઓ બેરોકટોક રાવલપિંડી પહોંચી શકે છે...આ ઘટનાએ દેશની સુરક્ષા વ્યવસ્થા પર અને પંજાબ પોલીસની કાર્યક્ષમતા પર સવાલો ઉભા કર્યા છે. ઈમરાન ખાનને જેલમાંથી તરત મુકત કરવામાં આવે તેમજ તેમને ઉચ્ચ સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવે.