નોકરીમાં લંચ અને કોફી બ્રેક દરમિયાન શારીરિક સંબંધ બનાવો, બર્થ રેટ ઘટતાં પુતિનની વિચિત્ર સલાહ
Birth Rate Drop : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને દેશના ઘટતાં જતાં જન્મદરને રોકવાના પ્રયાસના ભાગરૂપે રશિયાના નાગરિકોને વર્ક પ્લેસ પર સેક્સ કરવાની સલાહ આપી છે. દેશનો જન્મદર હાલમાં પ્રતિ મહિલા દીઠ 1.5નો છે. હવે જો રશિયનોએ તેમનું અસ્તિત્વ જાળવી રાખવું હોય તો મહિલા દીઠ જન્મદર 2.1 હોવો જોઈએ.
મેટ્રોમાં છપાયેલા અહેવાલ મુજબ યુક્રેન સાથે ચાલતા યુદ્ધના લીધે રશિયાની વસ્તીમાં પણ ઘટાડો થયો છે. તેના લીધે દસ લાખથી પણ વઘુ રશિયનો જે મોટાભાગે યુવાન છે તે રશિયા છોડીને ભાગી ગયા છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું હતું કે રશિયનોને બચાવવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રશિયાનું નસીબ તેના પર આધારિત છે કે આપણામાંથી કેટલા લોકો વધશે. આ રાષ્ટ્રીય મહત્ત્વનો પ્રશ્ન છે. રશિયાના આરોગ્ય મંત્રી યેવગેની શેસ્તોપાલોવે તે વાત પર ભાર મૂક્યો કે કામના લીધે પ્રજનનમાં અવરોધ ન આવવો જોઈએ.
તેમણે રશિયન નાગરિકોને પરિવાર વધારવા તથા બપોરના ભોજન અને કોફી બ્રેકનો લાભ ઉઠાવવા આગ્રહ કર્યો. મેટ્રોએ શેસ્તોપોલાવને ટાંકીને લખ્યું હતું કે કામમાં વ્યસ્ત હોવું કોઈ યોગ્ય કારણ નથી, પણ એક બેકાર બહાનું છે. તમે બ્રેક દરમિયાન સેક્સ કરી શકો છો, કેમકે જીવન બહુ ઝડપથી આગળ વધે છે. બ્રેકના સમયનો સદુપયોગ બાળકો પેદા કરવા કરો.
મોસ્કોમાં 18 થી 40 વર્ષની વયની મહિલાને આરોગ્ય અને માતા બનવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા ડિઝાઇન કરવામાં આવેલી મફત પ્રજનન તપાસમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. રશિયાના ચેલ્યાબિંસ્ક વિસ્તારમાં અધિકારીઓએ જન્મદર વધારવાના હેતુથી નાણાકીય સહાયતા શરૂ કરી છે. તેમા 24 વર્ષથી નાની મહિલાઓને પહેલા બાળકના જન્મ પર નવ લાખ 40 હજાર રુપિયાનો સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.