રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આ યુગલનો ફોટો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ, કરે છે ખાસ અપીલ
અમદાવાદ, તા. 25 ફેબ્રુઆરી
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. રશિયા યુક્રેન નાટોમાં ન જાય તે માટે સૈન્ય તાકાતથી તેને ડરાવી-ધમકાવી રહ્યું છે અને દેશને કબ્જે કરવા પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ આ કપરી સ્થિતિમાં પણ દેશના લોકો શું ઈચ્છે છે કે દેશના લોકોની ભાવના શું છે તે કોઈ રાષ્ટ્રીય સ્તરે નેતાઓને નથી કહી શકતું.
જોકે સોશિયલ મીડિયના માધ્યમથી અને આ યુદ્ધની કપરી સ્થિતિમાં પણ ફરજ બજાવતા પત્રકારો દ્વારા અમુક આહ્લાદક અને ભાવનાત્મક ચિત્રો, સંદેશાઓ વિશ્વ સમક્ષ રજૂ થઈ રહ્યાં છે.
આ જ પ્રકારનો એક ફોટો એક માતા પોતાના નાના જન્મેલા બાળકને ખોળામાં લઈને ઉભી છે. આ યુદ્ધથી આહત થયેલ માતાના આંખમાં આંસુ જોવા મળી રહ્યાં છે. જોકે સૌથી વધુ હ્ર્દય દ્રાવક દ્રશ્ય માતા જોડે ઉભા રહેલા બીજા બાળકનું છે અને એ બાળકની આંખની માસુમિયત જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે.
બીજા બાળકના હાથમાં એક પોસ્ટર કાર્ડ છે અને તેમાં લખ્યું છે STOP WAR IN UNKRAINE એટલેકે યુક્રેનમાં યુદ્ધ બંધ કરો, અમને જીવવા દો.
આ સિવાય વધુ એક ફોટો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં એક યુગલ એકબીજા સાથે બાથ ભીડીને ઉભા છે. યુક્રેનના નેશનલ ફ્લેગને યુવકે પોતાના પર ઓઢ્યો છે અને યુવતીએ રશિયાનો ઝંડો પોતાના પર ઓઢ્યો છે.
આ બંને ચિત્ર રજૂ કરે છે કે યુદ્ધથી કોઈનું ભલું નથી. ગમે તે દેશના લોકો શાંતિ-સલામતી ઈચ્છે છે. રાજકીય ફલક પર કે પછી સુરક્ષાના નામે માત્ર એકબીજા દેશ પર આક્રમણમાં નુકશાન દેશના લોકોનું જ થવાનું છે.