ફોન ચાર્જર, સીમકાર્ડ, નેલ કટર, વોશ બેસિન...પાકિસ્તાનમાં ચૂંટણી પંચે ઉમેદવારોને અજીબો ગરીબ ચૂંટણી ચિન્હ ફાળવ્યા
ઈસ્લામાબાદ,તા.7.ફેબ્રુઆરી.2024
પાડોશી દેશ પાકિસ્તાન અત્યારે ચૂંટણી ફીવરમાં જકડાયેલો છે.દુનિયાની નજર પણ અહીંયા આઠ ફેબ્રુઆરીએ થનારી ચૂંટણી પર છે. પાકિસ્તાનમાં બેલેટ પેપરથી મતદાન થવાનુ છે.બીજી તરફ પાકિસ્તાનના ચૂંટણી પંચે જે પ્રકારના ચૂંટણી ચિન્હ ઉમેદવારો અને પાર્ટીઓને ફાળવ્યા છે તેની પણ ચર્ચા છે.કારણકે ઘણા ચૂંટણી ચિન્હ આપણને અજીબો ગરીબ લાગે તેવા છે.કેટલાક ઉમેદવારો પણ તેની સામે વાંધો ઉઠાવી ચુકયા છે.
ચૂંટણી પંચની મહેરબાનીના કારણે ઉમેદવારો મોબાઈલ ફોન ચાર્જર, સિમ કાર્ડ, ગધેડા ગાડી, રિંગણ, જૂતા જેવા ચૂંટણી ચિન્હો સાથે જનતા વચ્ચે પ્રચાર કરી રહ્યા છે.કેટલાક ચૂંટણી ચિન્હ એવા છે જેના કારણે ઉમેદવારો હાંસીપાત્ર બની ગયા છે.જેમ કે એક ઉમેદવારને બોટલનુ પ્રતિક ફાળવવામાં આવ્યુ છે અને પશ્તુન ભાષામાં આ શબ્દનો ઉપયોગ કોઈ મૂર્ખ વ્યક્તિ માટે કરવામાં આવતો હોય છે.
પૂર્વ પીએમ ઈમરાન ખાનના સમર્થક અમીર મુગલ નામના ઉમેદવારને રિંગણનુ ચૂંટણી ચિન્હ મળ્યુ છે.આ સિવાય વોશ બેસિન, ચિપિયો, નેલ કટર, ચમચી, તવો, શટલ કોક જેવા ચિન્હો પણ ઉમેદવારોના ભાગે આવ્યા છે.
કેટલાક ઉમેદવારો કહી રહ્યા છે કે, ચૂંટણી પંચે જાણી જોઈને અપમાનજનક અ્ને લોકો મશ્કરી કરે તેવા ચૂંટણી ચિન્હો અમને આપ્યા છે.
પાકિસ્તાનમાં ચૂંટણી ચિન્હનો વિવાદ ઈમરાન ખાનની પાર્ટી તહરીક એ ઈન્સાફનુ ચૂંટણી ચિન્હ રદ કરાયા બાદ શરુ થયો હતો.કાનૂની વિવાદમાં ફસાયેલા ઈમરાન ખાનની પાર્ટીનુ ચૂંટણી ચિન્હ બેટ હતુ પણ ચૂંટણી પંચે તે રદ કરી નાંખ્યુ હતુ.
ઈમરાનની પાર્ટીના ઉમેદવારો હવે અપક્ષ તરીકે લડી રહ્યા છે અને તેમને ચૂંટણી પંચે ચિત્ર વિચિત્ર ચૂંટણી ચિન્હો ફાળવી દીધા છે.જોકે ઉમેદવારો પાસે હવે કોઈ વિકલ્પ રહ્યો નથી.કારણકે ચૂંટણી આડે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે.