બાયડેન અને શી જિન પિંગ વચ્ચે ફોન પર વાત: તાઈવાન સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા
- પારસ્પરિક સંબંધો સુધારવા ઉપરાંત આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સ તેમજ સંરક્ષણ મુદ્દાઓ ચર્ચામાં: બ્લિન્કેન ચીનની મુલાકાત લેવાના છે
વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ જો બાયડન અને ચીનના પ્રમુખ શી જિન પિંગ વચ્ચે મંગળવારે ફોન ઉપર વાતચીત થઇ હતી. તેમાં બંને નેતાઓએ પારસ્પરિક સંબંધો સુધારવા અને બંને વચ્ચે વધતી તંગદિલી દૂર કરવા ચર્ચા થઈ હતી. ગત વર્ષના નવેમ્બર માસમાં કેલિફોર્નિયામાં યોજાયેલા શિખર સંમેલન પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી. જેમાં પારસ્પરિક સંબંધો સુધારવા ઉપરાંત આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ તથા સંરક્ષણ મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થઈ.
આ ઉપરાંત ફેન્ટાનીલ જે દર્દનાશક ઔષધી ચીન બનાવે છે તે નશાકારક પણ છે. તેથી તેનો પ્રવાહ રોકવા માટે પણ બાયડને અનુરોધ કર્યો હતો.
અમેરિકાના વિત્તમંત્રી જેનેટ એલેન ગુરુવારે ચીનની યાત્રાએ જવાના છે. તે પછીના સપ્તાહોમાં વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન પણ ચીન જવાના છે.
સહજ છે કે બંને નેતાઓ વચ્ચે તાઇવાન પર ચર્ચા થાય જ. જે અંગે બાયડને લાંબા સમયથી ચાલી આવતી એક ચીનની તેની સ્વીકૃતિ દોહરાવી તો હતી જ, પરંતુ તે સાથે સ્પષ્ટ કર્યું હતું કે, બળજબરીથી તાઇવાનને ચીનની (તળભૂમિ) સાથે જોડવાનો તેઓ વિરોધ કરે છે.
ઉલ્લેખનીય છે કે આગામી સપ્તાહે બાયડન વ્હાઈટ હાઉસમાં ફીલીપાઇન્સના પ્રમુખ ફર્ડીનાન્ઝ માર્કોસ જુનિયર અને જાપાનના વડાપ્રધાન ફુમીઓ કિશીદા સાથે શિખર મંત્રણા યોજવાના છે. તેની મુખ્ય કાર્યસૂચિ ચીનની તે વિસ્તારમાં વધતી દાદાગીરી જ રહેશે.
બાયડને ચીનને તેમના દેશમાંથી નિકાસ થતા માદક પદાર્થો રોકવા, તેણે આપેલું વચન પરિપૂર્ણ કરવા પણ તે વાતચીત દરમિયાન જણાવ્યું હતું. તેમજ ચીનની અટકાયતમાં રહેલા અમેરિકન નાગરિકોની મુકિત માટે અનુરોધ કર્યો હતો.
નિરીક્ષકો કહે છે કે તે સર્વે જાણે છે કે બે વચ્ચે ટક્કર થવાની જ છે. રાહ માત્ર સમયની છે.