કેનેડાને તમે બરબાદ કરી નાંખ્યુ.. એક વ્યક્તિએ ટ્રુડો સાથે જાહેરમાં હાથ મિલાવવાનો ઈનકાર કરી દીધો
image : twitter
ઓટાવા,તા.7 ઓક્ટોબર 2023,શનિવાર
ભારત સાથે પંગો લેનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર પોતાના જ દેશમાં ચારે તરફથી પસ્તાળ પડી રહી છે.
કેનેડાના એક વ્યક્તિએ તો જાહેરમાં જ ટ્રુડોની સાથે હાથ મિલાવવાનો ઈનકાર કરીને તેમની આબરુના ધજાગરા કરી નાંખ્યા હતા. આ અપમાન બાદ ટ્રુડોનો ચહેરો ઉતરી ગયો હતો. આ વ્યક્તિએ પીએમ ટ્રુડોને કહ્યુ હતુ કે, તમે કેનેડાને બરબાદ કરી નાંખ્યુ છે.
ટ્રુડોએ પૂછ્યુ હતુ કે, મેં આ દેશને કેવી રીતે બરબાદ કર્યો ત્યારે આ વ્યક્તિએ કહ્યુ હતુ કે, કેનેડામાં બધા બેહાલ છે. શું દેશમાં કોઈ ઘર ખરીદી શકે તેમ છે? તમે લોકો પાસેથી કાર્બન એમિસન ટેક્સ વસુલી રહ્યા છો અને પોતે પેટ્રોલ ડીઝલ વડે ચાલતી ગાડીઓમાં ફરી રહ્યા છો..તમે લોકોના પૈસા વેડફી રહ્યા છો...
ટ્રુડોએ કહ્યુ હતુ કે, અમે આ પૈસા તમારા જેવા લોકોને જ આપી રહ્યા છે...ટ્રુડોના જવાબને આ વ્યક્તિએ ફગાવી દીધો હતો અને કહ્યુ હતુ કે, લોકોના પૈસાથી તમે યુક્રેનને 10 અબજ ડોલરની મદદ કરી રહ્યા છો. આ કેનેડાના કરદાતાઓના પૈસા છે. તમે એક એવા વ્યક્તિ(જેલેન્સ્કી)ને આ પૈસા આપી રહ્યા છો જે પોતાના દેશના લોકોની કત્લે આમ કરાવી રહ્યો છે.
ટ્રુડોએ કહ્યુ હતુ કે, જેલેન્સ્કીને બદનામ કરવા માટે રશિયા દુષ્પ્રચાર કરી રહ્યુ છે તો આ વ્યક્તિએ સામે ટ્રુડોને સંભળાવ્યુ હતુ કે, દુષ્પ્રચાર તો તમે કરી રહ્યો છે..પુતિનને તો તમે સાંભળ્યા હશે..તમને દુષ્પ્રચાર કરતા સારી રીતે આવડે છે.
આ વ્યક્તિએ ટ્રુડોને ખરી ખોટી સંભળાવવાનુ ચાલુ રાખ્યુ હતુ અને એ પછી ટ્રુડોએ ચાલતી પકડી હતી.