VIDEO: અમેરિકા આવતા ભારતીય વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ?, પેપ્સીના પૂર્વ CEO ઈન્દિરા નૂઈની સલાહ
image : twitter
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના એક પછી એક થઈ રહેલા રહસ્યમય મોત વચ્ચે પેપ્સીના પૂર્વ સીઈઓ ઈન્દિરા નૂઈએ એક વીડિયો જાહેર કરીને ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકા આવતા પહેલા અમુક બાબતોનુ ધ્યાન રાખવાની સલાહ આપી છે. ઈન્દિરા નૂઈનો 10 મિનિટનો આ વીડિયો ન્યૂયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ કહે છે કે, ‘તાજેતરમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે ઘણી કમનસીબ ઘટનાઓ બની છે. જો કે તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો, જે તમારા હાથમાં જ છે.’
આ વીડિયોમાં તેઓ કહે છે કે, ‘ભારતીય વિદ્યાર્થીઓએ કાયદાનું પાલન કરવું જોઈએ. રાત્રે એકલા સૂમસાન જગ્યાઓ પર જવું જોઈએ નહીં અને ડ્રગ્સ તેમજ બીજા નશીલા પદાર્થોનુ સેવન કરવાથી બચવું જોઈએ કારણકે આ પ્રકારની કુટેવો આફત સર્જે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ અમેરિકા આવતા પહેલા પોતાની યુનિવર્સિટી અને કોર્સની પસંદગીમાં કાળજી રાખવાની જરુર છે. મિત્રો બનાવવામાં પણ ધ્યાન રાખવું જોઈએ અને કોઈ પણ પ્રકારની નવી ટેવ પાડતા પહેલા બે વખત વિચારવું જોઈએ કારણકે ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકામાં આવ્યા બાદ આઝાદી મળે છે. એ સ્થિતિમાં તેઓ રસ્તો ભટકી જાય અને ડ્રગ્સના રવાડે ચઢી જાય તેવી શક્યતા રહેતી હોય છે.’
આ વીડિયો બનાવવાના હેતુ અંગે તેઓ કહે છે કે, ‘અમેરિકા આવવા માંગતા કે અમેરિકામાં રહીને અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને યોગ્ય દિશા આપી શકું એ જ આ વીડિયો બનાવવાનો હેતુ છે.’