અમેરિકન પ્રમુખપદની રેસના નવા તારણો રસપ્રદ, ટ્રમ્પ પર 41 ટકા અમેરિકનોને ભરોસો
US Presidential Election 2024: અમેરિકાના અર્થતંત્ર અંગે અમેરિકનોને ડોનાલ્ડ ટ્રમ્પ કરતા કમલા હેરિસ પર વધારે વિશ્વાસ છે તેમ તાજેતરમાં યોજાયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે. આ પોલમાં ભાગ લેનારા મતદારો પૈકી 42 ટકા અમેરિકનોને હેરિસ પર વિશ્વાસ છે જ્યારે 41 ટકા અમેરિકનોને ટ્રમ્પ પર વિશ્વાસ છે.
બાઇડેનના હટી ગયા પછી મતદારોના વલણમાં પરિવર્તન જોવા મળ્યું
ટ્રમ્પને જો બાઇડેનને કારણે જે ફાયદો થવાનો હતો તે ફાયદો કમલા હેરિસ સામે મળશે નહીં. આ પોલ એક અખબાર અને યુનિવર્સિટી ઓફ મિશિગન દ્વારા સંયુક્ત ઉપક્રમે કરાવવામાં આવ્યો હતો. જો બાઇડેનના હટી ગયા પછી મતદારોના વલણમાં પરિવર્તન જોવા મળ્યું છે. અગાઉ તેઓ બાઇડેનની સરખામણીમાં ટ્રમ્પને પસદં કરતા હતાં. જો કે હવે બાઇડેન હટી ગયા છે ત્યારે મતદારા ટ્રમ્પની સરખામણીમાં કમલાને વધુ પસંદ કરી રહ્યાં છે. શનિવારે કમલા હેરિસે જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં સત્તાવાર આર્થિક નીતિ પ્લેટફોર્મ જારી કરશે. આ પોલનું આયોજન એક ઓગસ્ટથી પાંચ ઓગસ્ટની વચ્ચે કરવામાં આવ્યું હતું.
અમેરિકાના લોકોને અર્થતંત્ર માટે ટ્રમ્પ પર વિશ્વાસ
એપ્રિલ, જૂન અને જુલાઇમાં કરવામાં આવેલા આ સર્વેમાં 41 ટકા લોકોએ જણાવ્યું હતું કે અમેરિકાના અર્થતંત્ર માટે તેમને ટ્રમ્પ પર વિશ્વાસ છે. મેમાં યોજાયેલા પોલમાં 43 ટકા લોકોએ અર્થતંત્રની બાબતમાં ટ્રમ્પ પર વિશ્વાસ મૂક્યો હતો. એપ્રિલ, મે અને જૂનમાં યોજાયેલા પોલમાં ૩૫ ટકા લોકોએ અર્થતંત્રની બાબતમાં બાઇડેન પર વિશ્વાસ મૂક્યો હતો. જો કે તે હટી જતાં તેમના સ્થાને આવેલા કમલા હેરિસ પર 42 ટકા લોકો વિશ્વાસ મૂકી રહ્યાં છે.