નેતન્યાહૂનો 'ઘર'માં જ વિરોધ! ઈઝરાયલના માર્ગો પર ઊતર્યા હજારો લોકો, યુદ્ધવિરામ માટે દબાણ વધ્યું
નેતન્યાહૂએ કહ્યું કે જ્યાં સુધી હમાસ બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી યુદ્ધવિરામની વાત જ નહીં થાય
ઈઝરાયલમાં તેલ અવીવ ખાતે હજારો લોકો માર્ગો પર ઊતર્યા, લોકોએ બંધકોને મુક્ત કરાવવાની માગ કરી
બેન્જામિન નેતન્યાહુ (Israel PM Netanyahu) હવે પોતાના જ દેશમાં ઘેરાઈ ગયા છે. તેમણે હમાસનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ માટે તેમણે ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર બેફામ બોમ્બમારો અને જમીની હુમલા કરવા માટે પોતાની સેના પણ ઉતારી છે, પરંતુ હવે તેમના જ દેશમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે. હમાસ સાથે યુદ્ધવિરામ માટે સરકાર પર દબાણ લાવવા ઇઝરાયેલની રાજધાની તેલ અવીવમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું.
તેલ અવીવમાં લોકો માર્ગો પર ઊતર્યા
તેલ અવીવના માર્ગો ઉતરેલા લોકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરાવામાં આવે, પછી ભલે તેના માટે યુદ્ધવિરામ જ કેમ ન કરવું પડે. સરકાર પર દબાણ લાવવા માટે લોકો બેનરો અને પોસ્ટરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઈઝરાયેલના સમાજના એક વર્ગમાં ઘણો અસંતોષ છે અને લોકો આ યુદ્ધ માટે ફક્ત ને ફક્ત વડાપ્રધાન નેતન્યાહૂને જવાબદાર ઠેરવી રહ્યા છે.
નેતન્યાહૂ શું બોલ્યાં?
દરમિયાન પીએમ નેતન્યાહુએ કહ્યું છે કે જ્યાં સુધી હમાસ બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી યુદ્ધવિરામની તો વાત જ થશે નહીં. ઈઝરાયેલી સેના તેના હુમલા ચાલુ રાખશે કારણ કે જો યુદ્ધવિરામ કરાશે તો તે હમાસ સામે ઘૂંટણીયે થઈ જવા જેવું હશે. નેતન્યાહુએ કહ્યું હતું કે હમાસ સામેના યુદ્ધ પછી ગાઝામાં પેલેસ્ટિનિયન ઓથોરિટીની વાપસીનો ઇઝરાયેલ વિરોધ કરશે. તેમણે કહ્યું કે યુદ્ધ પછી પણ ઈઝરાયેલ સમગ્ર સુરક્ષા નિયંત્રણ જાળવી રાખશે, જેમાં અમે ઈચ્છીએ ત્યારે આતંકવાદીઓને ખતમ કરવાની ક્ષમતા પણ સામેલ હશે. કારણ કે તે ફરીથી માથું ઊંચું કરી શકે છે.