આ દેશના લોકોને આવડે છે ફાંકડું અંગ્રેજી, છતાં માતૃભાષામાં જ કરે છે વાત
આ દેશમાં કોર્ટ કચેરીના લખાણો અને વહિવટ માતૃભાષામાં જ થાય છે
ભાષાનું વ્યાકરણ, બંધારણ અને શબ્દ રચનાને પણ પેઢી દર પેઢી જાળવી રાખી છે
ઓસ્લો, 21 ફેબ્રુઆરી,2023,મંગળવાર
ઉત્તર એટલાન્ટિકમાં આવેલા ટાપુ દેશ આઇસલેન્ડ દેશના લોકો સદીઓથી પોતાની માતૃભાષા આઇસલેન્ડિકમાં જ વાત કરે છે. આઇસલેન્ડએ નોર્ડિક દેશો તરીકે ઓળખાતી કાઉન્સિલનો સભ્ય દેશ છે. આ કાઉન્સિલમાં ડેનીસ, નોર્વેજીયન અને સ્વીડીશ ભાષાનું ચલણ વધારે છે. નવાઇની વાત તો એ છે કે માત્ર ૩.૨૫ લાખની વસ્તી ધરાવતા આઇસલેન્ડ દેશના માતૃભાષા પ્રત્યેના આગ્રહને લીધે નોર્ડિક દેશોની કાઉન્સિલે સમગ્ર પત્ર વ્યવહાર તથા દસ્તાવેજોનું ડ્રાફટિંગ આઇસલેન્ડિક ભાષામાં કરવું પડે છે.
આ દેશ બીજી કોઇ ભાષામાં લખાયેલા દસ્તાવેજોને કાયદેસર ગણી સ્વિકારતો નથી. કારણ કે તેઓ કોઇ પણ ભોગે પોતાની માતૃભાષાને જીવંત રાખવા ઇચ્છે છે. આઇસલેન્ડિક ભાષા યુરોપની કેટલીક જૂની અને જીવંત ભાષામાંની એક ગણાય છે. આઇસલેન્ડના બાળકોને કેજી થી માંડીને અંતિમ ડિગ્રી સુધીના અભ્યાસક્રમમાં આઇસલેન્ડિક જ ભણાવવામાં આવે છે.
અહીં બાળકોને શિક્ષણ અંગ્રેજીમાં કે પછી માતૃભાષામાં એવા વિવાદ અને વિચારોને કોઇ જ સ્થાન નથી. આ દેશમાં કોર્ટ કચેરીના લખાણો અને નાગરિક વહિવટ માતૃભાષા આઇસલેન્ડિકમાં જ થાય છે. જો કે આ દેશના બધા લોકોને અંગ્રેજી ભાષા પણ આવડે છે, તેમ છતાં ભાગ્યે જ કોઇ અંગ્રેજીમાં વાત કરે છે. આઇસલેન્ડના લોકોને માતૃભાષા પ્રત્યે અનહદ પ્રેમ હોવાથી ભાષાનું વ્યાકરણ, બંધારણ અને શબ્દ રચનાને પેઢી દર પેઢી જાળવી રાખે છે.
એક માહિતી મુજબ આઇસલેન્ડિક ભાષાનો પ્રાચીન નાતો નોર્થ જર્મનીક લેંગ્વેજ સાથે છે. જે ફરોસે અને નોર્વેજીયન બોલીને મળતી આવે છે. ઇસ ૮ મી સદીમાં પ્રાચિન સ્કેન્ડિનેવિયનની પૂર્વી ઉપ શાખામાં આઇસલેન્ડિક અને નોર્વિયન ભાષાઓનો વિકાસ થયો હતો.એક સમયે નોર્વિયન અને આઇસલેન્ડિક ભાષામાં કોઇ જ તફાવત ન હતો.
૯ સદી આસપાસ નોર્વેના કેટલાક લોકોએ સ્થળાંતર કરીને આઇસલેન્ડનું નિર્મોણ કર્યું હતું.પ્રાકૃતિક તથા રાજકિય કારણોસર દાયકાઓ સુધી સ્થળાંતરિત લોકોનો મૂળ નોર્વે સાથે સંબંધ ન રહેતા આઇલેન્ડની આ સ્વતંત્ર માતૃભાષા વિકસિત થઇ હતી. સાહિત્યિક સમૃધ્ધિની દ્વષ્ટ્રૂીએ આઇસલેન્ડનું ખૂબજ મહત્વ છે. ૧૨ મી થી ૧૪ મી સદી દરમિયાન આઇસલેન્ડિક ભાષાનો ખૂબ વિકાસ થયો હતો. આ ભાષાના વીર કાવ્યો જેને ઇડ્ડા કહેવામાં આવે છે.