આ દેશના લોકો ઠંડીથી બચાવવા વૃક્ષોને પણ સ્વેટર પહેરાવે છે
સ્વેટર પહેરાવવાનું કારણ વૃક્ષની છાલને ઠંડીથી બચાવવાનું છે
વૃક્ષો માટે લોકો જાતે જ ગરમ કપડામાંથી સ્વેટર વણે છે
સિઓલ,16 જાન્યુઆરી,2025,ગુરુવાર
શિયાળાની ઠંડી શરુ થાય ત્યારે તરત જ બેગમાં ભરીને સાચવી રાખેલા ગરમ કપડા લોકો બહાર કાઢે છે. કાંતિલ ઠંડીમાં ગરમ કપડાનું બજારો ધમધમતા થઇ જાય છે. સ્વેટર અને જાકેટ પહેરીને ઠંડીનો સારી રીતે સામનો થઇ શકે છે. જો કે એ જાણીને નવાઇ લાગશે કે દક્ષિણ કોરિયાના સોલમાં લોકો ખુદ સ્વેટર પહેરે છે એટલું જ નહી વૃક્ષને પણ સ્વેટર પહેરાવે છે. લોકો જાતે જ ગરમ કપડામાંથી સ્વેટર વણે છે.
શિયાળાની શરુઆત થાય ત્યારે ગરમ કપડાથી વૃક્ષોના થડ લપેટાયેલા હોય તેવો નજારો અચૂક જોવા મળે છે. વૃક્ષોને સ્વેટર પહેરાવવાનું કારણ વૃક્ષની છાલને ઠંડીથી બચાવવાનું છે. સૌ જાણે છે કે વનસ્પતિના મૂળિયામાંથી જીવરસ વનસ્પતિની ડાળીઓ અને છેક પાંદડા સુધી પહોંચે છે પરંતુ કાતિલ ઠંડીમાં ઝાડ સૂકાઇ ના જાય અને નુકસાન ના થાય તેવી ભાવના સ્વેટર પહેરાવીને વ્યકત કરવામાં આવે છે.
આનાથી વૃક્ષને કેટલી સલામતી મળે છે અને ફાયદો થાય છે તે જાણી શકાતું નથી પરંતુ આ પ્રવૃતિ વર્ષોથી ચાલી આવે છે. એટલું તો ચોકકસ છે કે વૃક્ષ માટે પ્રેમ પ્રગટ કરવાનું માધ્યમ જરુર છે. આપણે જાણીએ છીએ કે સ્વેટરમાં પણ ફેશન હોય છે.
રંગબેરંગી ફેશનમાં એબ્રોયડરીની ડિઝાઇન હોય છે. એવી જ રીતે વૃક્ષોને પણ રંગબેરંગી ડિઝાઇનવાળા ગરમ કાપડ આકર્ષક લાગે છે. આ અનોખું કામ સિયોલની એક સંસ્થા દ્વારા ચાલે છે જેનો હેતું લોકોેને પર્યાવરણ માટે સંવેદનશીલ બનાવવાનો છે. આ અંગેનો ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.