શું અમેરિકી સરકારે એલિયન્સ કે તેમના અંતરિક્ષ યાન સંતાડી રાખ્યા? પેન્ટાગોને પહેલીવાર કર્યો ખુલાસો

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
શું અમેરિકી સરકારે એલિયન્સ કે તેમના અંતરિક્ષ યાન સંતાડી રાખ્યા? પેન્ટાગોને પહેલીવાર કર્યો ખુલાસો 1 - image

image : twitter

વોશિંગ્ટન,તા.09 માર્ચ 2024,શનિવાર

અમેરિકામાં ઘણા લોકો એવુ માને છે કે, સરકારે પરગ્રહ પરથી આવેલા સજીવોના એટલે કે એલિયન્સના મૃતદેહોને કે એલિયન ટેકનોલોજીને સંતાડી રાખી છે. 

આ મુદ્દા પર સમયાંતરે ચર્ચાઓ છેડાતી રહે છે. જોકે અમેરિકાના સંરક્ષણ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોને હવે ઓલ ડોમેન એનોમલી રિઝોલ્યુશન ઓફિસના એક તપાસ અહેવાલને જાહેર કર્યો છે અને ખુલાસો કર્યો છે કે, અમેરિકાની સરકારે કોઈ એલિયન કે તેની સાથે જોડાયેલી ટેકનોલોજીને છુપાવી રાખી નથી. 

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ઘણા દાયકાઓથી એવી વાયકા ચાલે છે કે, અમેરિકાની સરકારે એલિયન અંતરિક્ષ યાન તેમજ એલિયનને શોધ્યા છે. 1940થી આ પ્રકારની કહાનીઓની શરુઆત થઈ હતી અને ચર્ચા ચાલતી રહી છે કે, અમેરિકાની સરકાર ગુપ્ત રીતે એલિયન્સ અને તેમના અંતરિક્ષ યાન પર રિસર્ચ કરી રહી છે. સાથે સાથે ટીવી પર આવતા કાર્યક્રમો, પુસ્તકો, ફિલ્મો, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાએ લોકોની આ ધારણાને વધારે મજબૂત બનાવી છે. જોકે આ તમામ વાયકાઓ ખોટી છે. અમેરિકા પાસે કોઈ એલિયન કે તેમની સાથે જોડાયેલી ટેકનોલોજી નથી. 1960ના દાયકામાં કે એ પછી સમયાંતરે યુએફઓ જોવા મળ્યા હોવાના જે પણ  દાવા થતા હતા તે કદાચ અમેરિકાના ગુપ્ત રખાયેલા વિમાનો હતા. અમેરિકા દ્વારા આ વિમાનો તેમજ અંતરિક્ષ ટેકનોલોજીનુ ટેસ્ટિંગ કરવામાં આવતુ હતુ.  શક્ય છે કે, લોકોએ તેને યુએફઓ અથવા અંતરિક્ષમાંથી આવતા એલિયન્સના યાન ગણી લીધા હોય. 

પેન્ટાગોન દ્વારા ઓલ ડોમેન એનોમલી રિઝોલ્યુશન ઓફિસને એલિયન અંગેની તપાસ માટે તમામ પ્રકારના સંવેદનશીલ પ્રોજેકટો સુધી પહોંચવા માટે મંજૂરી અપાઈ હતી. આ સંસ્થાએ 1945 બાદ જે પણ સરકારી પ્રોજેકટ હાથ ધરાયા હતા તેની તેમજ અત્યાર સુધીમાં જાહેર કરાયેલા તેમજ નહી જાહેર કરાયેલા ગુપ્ત દસ્તાવેજોની પણ ચકાસણી કરી હતી. 30 જેટલા લોકોના ઈન્ટરવ્યૂ લીધા હતા અને હવે સંસ્થાનુ કહેવુ છે કે, અ્મેરિકન સરકાર એલિયન સાથે જોડાયેલો કોઈ ગુપ્ત પ્રોજેકટ ચલાવતી હોય તેવા કોઈ પૂરાવા મળ્યા નથી. 

પેન્ટાગોને સંસ્થાના તપાસ અહેવાલને જાહેર કરીને એલિયન્સ અંગે અમેરિકામાં દાયકાઓથી ચાલી આવતી  અટકળોને ફગાવી દીધી છે


Google NewsGoogle News