પેન્સિલવાનિયા : કમલા- ટ્રમ્પે પ્રચારના છેલ્લા કલાક આ સ્વિંગ-સ્ટેટમાં ગાળ્યા
- સૌથી વધુ મતદારો ધરાવતાં રાજ્યોમાં પેન્સિલવાનિયા પાંચમું રાજ્ય છે : તેના 19 ઇલેકટોરલ વૉટ અતિ મહત્વના છે
વૉશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ પદની પૂર્વ સંધ્યાએ ડેમોક્રેટિક પક્ષનાં પ્રમુખ પદના ઉમેદવાર કમલા હેરિસ તથા તેઓના રીપબ્લિકન પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પે તેના પ્રચારના છેલ્લા કલાકો સ્વિંગ-સ્ટેટ પેન્સિલવાનિયામાં ગાળ્યા હતા. આ અંગે સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ જણાવે છે કે, હેરિસે આખો દિવસ પેન્સિલવાનિયામાં ગાળ્યો હતો, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ રાજ્યો રેલે નોર્થકેરોલિના અને પેન્સિલવાનિયામાં પ્રચાર ઝુંબેશ ચલાવી હતી. તેઓએ રીડીંગ અને પિટરસબર્ગ સહિત કુલ ૪ રેલી - પેન્સિલવાનિયામાં યોજી હતી.
ચૂંટણીની પૂર્વ સંધ્યાએ કમલા હેરિસ, પેન્સિલવાનિયાના રીડીંગની શેરીઓમાં પણ ઘૂમી રહ્યા હતાં. મતદારોનાં ઘરે ઘરે જઈને તેઓને મળ્યા હતા.
તેઓના ૩ ટેકેદારોને ખાસ મળવા માટે હેરિસે કલાકો સુધીની મોટર ડ્રાઈવ કરી હતી. રીડીંગ શહેરની આ મુલાકાત માત્ર મત પ્રચાર માટે જ ન હતી. તેઓ જનસામાન્ય સાથે હળી-મળી રહ્યા હતા અને એક પ્યુરટોટિકન નાગરિકની રેસ્ટોરામાં પણ તેઓ ગયા હતાં. સાથે તેઓએ સ્થાનિક સંસ્કૃતિની પણ સરાહના કરી હતી. કમલા હેરિસના આ પ્રચાર યુદ્ધમાં પેન્સિલવાનિયાના ગવર્નર જોશ શાયિરો અને ન્યૂયોર્કનાં હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્સના સાંસદ એલેકઝાન્ડ્રીયા ઓકાસિયો કોર્ટેઝ પણ જોડાયા હતાં.
ડોનાલ્ડ ટ્રમ્પ પણ પેન્સિલવાનિયામાં જબરજસ્ત પ્રચાર કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે જો અમે પેન્સિલવાનિયામાં વિજયી થઇશું તો જાણે કે 'બેલ ઓફ વેક્ષ' જીત્યા બરાબર ગણાશે. (બહુ મુશ્કેલ સ્થિતિમાં વિજય મેળવ્યા બરાબર હતું.)
પેન્સિલવાનિયામાં આટલી રસાકસી થવાનું કારણ તે છે કે ત્યાં મહત્વના તેવા ૧૯ ઇલેકટોરલ-વૉટ છે. અમેરિકાનાં ૭ મોટા રાજ્યોમાં પેન્સિલવાનિયાનું પાંચમું સ્થાન છે. તેથી તેના ઇલેકટોરલ-વોટનું મહત્વ ઘણું છે.