દર્દીઓને નિવસ્ત્ર કર્યા : ધડાધડ ફાયરિંગ કર્યું તે હુમલામાં 240 શંકાસ્પદ આતંકીઓ ગિરફતાર
ઇઝરાયલે ઉત્તર ગાઝામાં એક હોસ્પિટલમાં રેડ પાડી, ૨૪૦ હમાસ આતંકીઓની ધરપકડ કરી હોવાનો ઇઝરાયલનો દાવો
આ સામે હમાસે આક્ષેપ કર્યો છે કે ઇઝરાયલી સૈનિકોએ દર્દીઓ સાથે દુર્વ્યવહાર કર્યો અને તેઓની તથા તબીબોની પણ જાન ખતરામાં નાખવાની ધમકી આપી હતી. હમાસે આ ઉપરાંત, ઇઝરાયલી સેના પર દર્દીઓને નિર્વસ્ત્ર કરી અને સૌને ડરાવવા માટે ગોળીબારો પણ કર્યા હોવાનો આક્ષેપ મુક્યો છે.
ઇઝરાયલી સેનાએ સામો દાવો કર્યો છે કે આતંકવાદીઓ હોસ્પિટલમાં છુપાઈ દર્દીના વેશમાં રહે છે. તો કોઈ હોસ્પિટલના કર્મચારીના પણ પરિધાન પહેરે છે. કોઈ તબીબનાં વસ્ત્રો પહેરે છે. તે સર્વે આતંકીઓને કોઇને કોઈ નિશાન (છુંદણાં) હોય છે. તેથી તેમને નિર્વસ્ત્ર કરી તપાસવા પડે છે.
ટૂંકમાં હમાસ, અને ઇઝરાયલ એક બીજા ઉપર આક્ષેપો કરે છે. ત્યાં બીજી તરફ નિર્દોષ નાગરિકો મહિલાઓ અને બાળકો સહિત ટપોટપ જન્નત નશીન થતાં જાય છે. દુનિયા હાથ બેસી રહી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને, આ કમાલ સદનાન ઉપર થયેલા હુમલાની નિંદા કરી છે. તે જણાવે છે કે ઉત્તર ગાઝામાં ચાર જ હોસ્પિટલો બચી છે જ્યાં સર્જરી થઇ શકે છે. તે ચાર પૈકીની તે એક હોસ્પિટલ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તો ત્યાં સુધી કહે છે કે ઉત્તર ગાઝામાં ઇઝરાયલે પહેલીવાર જ હુમલો કર્યો ત્યારથી આરોગ્ય સેવાઓ કથળી ગઈ છે. આ પૂર્વે પણ ઇઝારયલે અલ શિફા હોસ્પિટલ પર પણ હુમલો કર્યો હતો અને હોસ્પિટલના ડાયરેક્ટરની ધરપકડ કરી હતી. તે પહેલાં દક્ષિણ ગાઝામાં નાસિર હોસ્પિટલ ઉપર પણ હુમલો કરી ઇઝરાયલે આવી જ દશા કરી હતી.