દર્દીનું જાગૃત અવસ્થામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ, બીજા દિવસે રજા અપાઈ
- શિકાગોમાં ભારતીય ડૉક્ટરની સિદ્ધિ
- જનરલ એનેસ્થેસિયાને બદલે ડો. સતીશ નાડિગે દર્દીને સ્પાઈનલ એનેસ્થેસિયાનો સીંગલ શોટ આપ્યો
શિકાગો : યુએસના શિકાગો શહેરમાં આવેલી નોર્થેવેસ્ટર્ન મેડિસિન હોસ્પિટલ ખાતે ભારતીય મૂળના ડોકટર્સે એક દર્દીની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન સૌ પ્રથમવાર જાગ્રતાવસ્થામાં કર્યું હતું. ૨૮ વર્ષના દર્દી જ્હોન નિકોલસને બે કલાકની સર્જરી દરમ્યાન કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ બીજે જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. નિકોલસે તેને કોઇ પીડાનો અનુભવ ન થયો હોવાનું જણાવ્યું હતું. ભારતીય ડોક્ટર ડો. સતીશ નાડિગે જનરલ એનેસ્થેસિયા આપવાને બદલે દર્દીને કરોડરજ્જુમાં એનેસ્થેસિયાનું ઇન્જેકશન આપી દર્દીના શરીરનો કમરની નીચેનો હિસ્સો સંવેદનહીન બનાવી દીધો હતો.
ગયા મે મહિનાની ૨૪ તારીખે આ સર્જરી પાર પાડયા બાદ ગયા સોમવારે પત્રકાર પરિષદમાં આ નવી પદ્ધતિની ડોક્ટરે દર્દીની હાજરીમાં માહિતી આપી હતી. નોર્થ વેસ્ટર્ન મેડિસિન કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર ખાતે ભારતીય ટ્રાન્સપ્લાન્ટ સર્જયન ડો. સતીશ નાડિગ, ટ્રાન્સ પ્લાન્ટ સર્જયન ડો. વિનાયક રોહન અને એનેસ્થેસિયોલોજિસ્ટ ડો. વિન્સેટગાર્સિયા થોમસની દેખરેખ હેઠળ કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી પાર પાડવામાં આવી હતી.
ડો. સતીશ નાડિગે જણાવ્યું હતું કે અમને આશા છે કે જાગ્રતાવસ્થામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાથી જનરલ એનેસ્થેસિયા સાથે સંકળાયેલાં જોખમોને ઘટાડી શકાશે અને દર્દીને હોસ્પિટલમાં લાંબો સમય રહેવાની જરૂર રહેશે નહીં. સામાન્ય રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી બાદ દર્દીને સાત દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવે છે. જ્યારે આ કિસ્સામાં ઓપરેશનના ૨૪ કલાકમાં જ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
એનેસ્થેસિયોલોજિસ્ટ ડો. વિન્સેટે જણાવ્યું હતું કે જે દર્દીને મગજની, હ્ય્દયની અને ફેફસાંની સમસ્યાઓ હોય તેમને માટે જનરલ એનેસ્થેસિયા આરોગ્ય માટે જોખમકારી બની રહે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે અમે સ્પિનલ એનેસ્થેટિકનો ઉપયોગ કરીને જનરલ એનેસ્થેસિયા સાથે સંકળાયેલાં જોખમોને નિવારવામાં સફળતા મેળવી છે. હવે જે લોકો આ પ્રકારની સર્જરી કરાવવા માંગતા હોય તેમને માટે અવેક એટલે કે એક્સલરેટેડ સર્જરી વિધાઉટ જનરલ એનેસ્થેસિયા ઇન કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કાર્યક્રમ શરૂ કરાશે.
જેની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી તે ૨૮ વર્ષનો જ્હોન નિકોલસ ૧૬ વર્ષની વયથી કિડનીની સમસ્યા ક્રોહ્નસ ડિસિઝથી પીડાતો હતો. તેણે વર્ષો સુધી આ સમસ્યાની કોઇ સારવાર ન કરાવી પણ ૨૦૨૨માં તેની કિડનીએ કામ કરવાનું બંધ કરી દેતાં તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર ઉભી થઇ હતી. તેની માતાને સ્તન કેન્સરનું નિદાન થતાં તે કિડનીનું દાન કરી શકે તેમ ન હોઇ તેના બાળપણના મિત્ર ૨૯ વર્ષના પેટ વાઇઝે જ્હોનને કિડનીનું દાન કર્યું હતું.
ડોકટર નાડિગે જણાવ્યું હતું કે ઓપરેશન શરૂ કરતાં પૂર્વે જ્હોનને કરોડ રજ્જુમાં એક ઇન્જેકશન આપવામાં આવ્યું હતું જેના પગલે તે કમરથી નીચેના હિસ્સામાં સંવેદનહીન બની ગયો હતો. એ પછી કિડની ટ્રાન્સપ્લાન્ટના બે કલાક ચાલેલાં ઓપરેશન દરમ્યાન તે જાગ્રતાવસ્થામાં સંપૂર્ણ ભાનમાં હતો. મેં તેને તેની કિડની પણ કાઢીને બતાવી હતી. મને પહેલીવાર કોઇ દર્દીને તેનું અંગ આ રીતે બતાવવાની તક મળી હતી. જ્હોનના કારણે ટ્રાન્સપ્લાન્ટેશનની સર્જરીમાં એક મોટી આગેકૂચ શક્ય બની છે.
નિકોલસે જણાવ્યું હતું કે ડોકટરના હાથમાં મેં મારી કિડની જોઇ એ મારે માટે રોમાંચક ક્ષણ હતી. બે કલાકથી પણ ઓછાં સમયમાં આ ઓપરેશન પાર પડ્યું હતું અને ઓપરેશન દરમ્યાન ડોકટરની વાતો પણ હું સાંભળતો રહ્યો હતો. સમગ્ર ઓપરેશન દરમ્યાન નિકોલસને કમરના હિસ્સાની નીચે કોઇ સંવેદના નહોતી. નિકોલસને સર્જરીમાં પીડા થઇ નહોતી અને તેને બીજે જ દિવસે હોસ્પિટલમાંથી રજામળી ગઇ હતી.