UAEનો પાસપોર્ટ દુનિયાનો સૌથી શકિતશાળી, જાણો ભારત અને પાકિસ્તાન સહિતના દેશોનો રેન્ક

ગ્લોબલ સિટિઝનશિપ ફાઈનાન્સિયલ એડવાઈઝરી કંપની દ્વારા જાહેર કરાયેલા રેન્ક

ભારતીય પાસપોર્ટધારક 77 દેશમાં પ્રવાસ કરી શકે છે અને 24 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી પણ મળે છે

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
UAEનો પાસપોર્ટ દુનિયાનો સૌથી શકિતશાળી, જાણો ભારત અને પાકિસ્તાન સહિતના દેશોનો રેન્ક 1 - image

Passport Ranking : હાલમાં જ દુનિયાના વિવિધ દેશના પાસપોર્ટનું રેન્કિંગ જાહેર કરાયું છે. આર્ટન કેપિટલ નામની ફર્મ દ્વારા જાહેર કરાયેલા આ પાસપોર્ટ રેન્કિંગ રિપોર્ટમાં યુનાઈટેડ આરબ અમીરાત (UAE)ના પાસપોર્ટને દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટનો દરજ્જો મળ્યો છે. યુએઈનો પાસપોર્ટ ધરાવતા લોકોને દુનિયાના 130 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે જ્યારે અન્ય 50 દેશમાં તેમને વિઝા ઓન અરાઈવલની સુવિધા પણ મળે છે. આમ, યુએઈના પાસપોર્ટનો મોબિલિટી સ્કોર 180 ગણીને તેને દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ ગણવામાં આવ્યો છે. 

ભારત અને પાકિસ્તાનના પાસપોર્ટનો રેન્ક 

એવી જ રીતે, દુનિયાના કુલ 199 દેશના રેન્કિંગમાં ભારતના પાસપોર્ટને 66મું સ્થાન મળ્યું છે. ભારતીય પાસપોર્ટનો મોબિલિટી રેન્ક 77 છે. એટલે કે ભારતીય પાસપોર્ટ   ધરાવનારી વ્યક્તિ 77 દેશમાં પ્રવાસ કરી શકે છે. આ ઉપરાંત 24 દેશમાં તેમને વિઝા ફ્રી એન્ટ્રી પણ મળે છે. તો આ પાસપોર્ટ ઈન્ડેક્સમાં પાકિસ્તાનનો પાસપોર્ટ 94મા ક્રમે છે. તેનો મોબિલિટી સ્કોર પણ ફક્ત 47 છે. પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતી વ્યક્તિને દુનિયાના ફક્ત પાંચ દેશમાં પ્રવેશ મળે છે. 

આ ઈન્ડેક્સમાં અતિ પછાત અને યુદ્ધગ્રસ્ત દેશો પણ પાકિસ્તાનથી આગળ છે. જેમ કે આ યાદીમાં સોમાલિયા 95, ઈરાક 96, અફઘાનિસ્તાન 97, સીરિયા 98મા ક્રમે છે. 

પાસપોર્ટ ઈન્ડેક્સમાં યુરોપિયન દેશોનો દબદબો

આ યાદીમાં જર્મની, સ્પેન, ફ્રાંસ, ઈટાલી અને નેધરલેન્ડ જેવા દેશોનો પાસપોર્ટ બીજા ક્રમે છે. આ પૈકી કોઈ પણ દેશના પાસપોર્ટધારક 178 દેશમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે. તો ત્રીજા ક્રમે પણ સ્વિડન, ફિનલેન્ડ, લક્ઝમબર્ગ, ઓસ્ટ્રિયા અને સ્વિત્ઝર્લેન્ડ જેવા ધનિક દેશો છે, જેનો પાસપોર્ટ ધરાવતી વ્યક્તિને 177 દેશમાં વિઝા ફ્રી પ્રવેશ છે.   ત્યાર પછી ચોથા ક્રમે પણ ડેનમાર્ક, બેલ્જિયમ, પોર્ટુગલ, પોલેન્ડ, આયર્લેન્ડ જેવા યુરોપિયન દેશો જ છે. આ દેશના પાસપોર્ટધારકો 176 દેશમાં વિઝા વિના જઈ શકે છે. આ દેશો સાથે ચોથા ક્રમે દક્ષિણ કોરિયા પણ છે. 

કયા આધારે નક્કી થાય છે પાસપોર્ટનો પાવર?

કોઈ દેશનો પાસપોર્ટ કેટલો શક્તિશાળી છે, તે મોબિલિટી સ્કોરના આધારે નક્કી થાય છે. મોબિલિટી સ્કોરમાં વિઝા ફ્રી એન્ટ્રી, વિઝા ઓન અરાઈવલ, ઈ-વિઝા (જો તે શનિ-રવિ સિવાયના ત્રણ દિવસમાં મળી જતા હોય તો) જેવી બાબતોનું ધ્યાન રખાય છે. 

આર્ટન કેપિટલ પાસપોર્ટ ઈન્ડેક્સમાં યુએનમાં નોંધાયેલા કુલ 199 દેશનું મૂલ્યાંકન કરાયું હતું.

UAEનો પાસપોર્ટ દુનિયાનો સૌથી શકિતશાળી, જાણો ભારત અને પાકિસ્તાન સહિતના દેશોનો રેન્ક 2 - image


Google NewsGoogle News