7 કરોડ રૂપિયા ખર્ચીને વર્લ્ડ ટૂર પર નીકળ્યા, પણ જહાજ બગડતાં ત્રણ મહિનાથી એક જગ્યાએ ફસાઈ ગયા

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
Passengers stranded in Belfast


Passengers stranded in Belfast : કલ્પના કરો કે તમે 7 કરોડ રૂપિયાની મોંઘી ટિકિટ લઈને ક્રૂઝ પર ગયા છો અને ક્રૂઝમાં ટેકનિકલ ખરાબી સર્જાતાં દુનિયાના કોઈ એક શહેરમાં બે-ચાર દિવસ માટે નહીં, ત્રણ મહિના સુધી ફસાઈ જાવ છો, તો કેવું લાગશે? ગુસ્સો આવશે? શિપિંગ કંપની પર કેસ કરશો? બીજું કોઈ વાહન પકડીને ઘરભેગા થશો કે વિશ્વભ્રમણ જારી રાખશો? વાત કોરી કલ્પના નથી, તાજેતરમાં આવું હકીકતમાં બન્યું છે.

શું છે ઘટના?

‘વિલા વિએ રેસીડેન્સીસ ઓડિસી’ નામનું મસમોટું જહાજ ઉત્તરી આયર્લૅન્ડની રાજધાની બેલફાસ્ટથી ત્રણ વર્ષના લાંબા વર્લ્ડ ટૂર પર નીકળવાનું હતું. કરોડો રૂપિયાની ટિકિટ લઈને મુસાફરો જહાજમાં ગોઠવાઈ પણ ગયા હતા. છેક છેલ્લી ઘડીએ મોકાણ ઊભી થઈ. જહાજના રડાર અને ગિયર બૉક્સમાં સમસ્યાઓ સર્જાતાં જહાજની સફર શરુ જ ન થઈ. 30 મેના રોજ રવાના થનાર જહાજ હજી ત્યાંનું ત્યાં જ છે. કરોડો ખર્ચીને હોંશેહોંશે દુનિયા જોવા નીકળેલા મુસાફરો ત્રણ મહિનાથી બેલફાસ્ટમાં ફસાઈ ગયા છે. કેવી અનોખી ટ્રેજેડી!

બેલફાસ્ટમાં રહેવા મજબૂર મુસાફરો

એવુંય નથી કે આટલી મોંઘી ટિકિટ ખરીદનાર તમામ કરોડપતિ જ છે અને આ સમસ્યાથી એમને કશો ફરક નથી પડતો. ઘણાં મુસાફરો તો જીવનભરની બચત નાંખીને વિશ્વભ્રમણનું સપનું પૂરું કરવા આ શિપ પર આવ્યા હતા. એ લોકો હવે ઘરે પણ જઈ શકે એમ નથી, કેમ કે જાય તો ટિકિટનું પૂરું વળતર મળે એમ નથી. માટે તેઓ કમને પણ બેલફાસ્ટમાં રહેવા માટે મજબૂર છે. 

આ રીતે સમય વિતાવે છે મુસાફરો

જહાજના મુસાફરોને દિવસ દરમિયાન શિપ પર જવાની છૂટ છે, પરંતુ તેમણે સાંજે જહાજમાંથી બહાર નીકળી જવું પડે છે. તેમણે શહેરની હોટલોમાં રાત્રિરોકાણ કરવું પડે છે. તેમની આવનજાવન માટે શટલ બસની સગવડ અપાઈ છે. દિવસ દરમિયાન મુસાફરો જહાજ પર જ જમે છે, જહાજના સિનેમા હૉલમાં ફિલ્મો જુએ છે, નાનુંમોટું મનોરંજન પણ માણે છે. જહાજ છોડ્યા પછી તેઓ બેલફાસ્ટમાં રખડે છે અને એ રીતે પોતાનો સમય વિતાવે છે.

એક કેબિનનું ભાડું આટલું

30 વર્ષ જૂના જહાજ ‘વિલા વિએ રેસીડેન્સીસ ઓડિસી’માં એક કેબિન ખરીદવા માટે 899,000 ડૉલર એટલે કે રૂપિયા 7.45 કરોડ ખર્ચવા પડે છે. વિચાર કરો કે, આટલી તોતિંગ રકમ ચૂકવ્યા પછી આવી ફસામણી થવાની હોય તો કેવું લાગે? બેલફાસ્ટમાં ફસાયેલા મુસાફરો પૈકીના ઘણા જોકે આ બાબતને હળવાશથી લે છે. જહાજ કંપની દ્વારા એમને સારી સવલતો પૂરી પાડવામાં આવી રહી હોવાથી તેઓ ઝાઝી ફરિયાદ કરતાં નથી. ઘણાને જોકે બેલફાસ્ટનું હવામાન ફાવતું નથી. ઘણા સ્વખર્ચે યુરોપના અન્ય દેશોમાં ફરવા નીકળી પડ્યા છે. અલબત્ત, જહાજ ઉપડવા તૈયાર થશે ત્યારે તેઓ બેલફાસ્ટ પાછા આવી જશે.

જહાજ છે કે મહેલ? 

આઠ માળ ઊંચા આ ભવ્યાતી ભવ્ય જહાજમાં 509 કેબિન છે. ત્રણ રેસ્ટોરન્ટ અને પાંચ બાર ધરાવતા જહાજમાં વિશાળ સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, જિમ, સ્પા અને ફિટનેસ સેન્ટર જેવી સુવિધાઓ પણ છે. ચોવીસ હજાર ટનના જહાજની લંબાઈ 642 ફીટ છે અને ક્ષમતા 929 પેસેન્જર સમાવવાની છે. જહાજ દર સાડા ત્રણ વર્ષે એક વર્લ્ડ ટૂર પૂરી કરે છે, જેમાં પ્રવાસીઓને દુનિયાના 147 દેશ અને 425 સ્થળોની મુલાકાત લેવાની તક મળે છે. 


Google NewsGoogle News