પેરિસ ઓલિમ્પિક : યોકોવિચે અલકારાઝને હરાવી મેન્સ સિંગલ્સ ટેનિસમાં ગોલ્ડ જીત્યો
- યોકોવિચ 'ગોલ્ડન સ્લેમ'ની સિદ્ધિ મેળવનારો પાંચમો ખેલાડી
- કારકિર્દીના પાંચમા ઓલિમ્પિકમાં ૩૭ વર્ષના યોકોવિચનું સ્વપ્ન સાકાર ઃ મુસેટીએ ૧૦૦ વર્ષ બાદ ઈટાલીને ટેનિસમાં મેડલ અપાવ્યો
પેરિસ: સર્બિયાના ટોપ સીડ ધરાવતા ૩૭ વર્ષના ટેનિસ સ્ટાર યોકોવિચે સીધા સેટોમાં પણ ભારે સંઘર્ષ બાદ ફાઈનલમાં સ્પેનના અલકારાઝને ૭-૬ (૭-૩), ૭-૬ (૭-૨)થી હરાવીને પેરિસ ઓલિમ્પિકમાં મેન્સ સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ટેનિસમાં વર્લ્ડ રેકોર્ડ ૨૪ ગ્રાન્ડ સ્લેમ સહિત ૯૯ ટાઈટલ જીતી ચૂકેલા યોકોવિચે આ સાથે 'ગોલ્ડન સ્લેમ' સિદ્ધિ મેળવનારા ટેનિસ ઇતિહાસના પાંચમા ખેલાડી તરીકે રેકોર્ડબુકમાં સ્થાન મેળવી લીધું હતુ. અગાઉ સ્ટેફી ગ્રાફ, એન્ડ્રે અગાસી, સેરેના વિલિયમ્સ અને નડાલ આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
ટેનિસના ચાર ગ્રાન્ડ સ્લેમ અને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીએ 'ગોલ્ડન સ્લેમ'ની સિદ્ધિ મેળવી તેમ કહેવાય. ટેનિસ વિશ્વમાં લગભગ બધા મેજર ટાઈટલ જીતી ચૂકેલા યોકોવિચે કારકિર્દીમાં ખુટતી કડી સમાન ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ આખરે પાંચમા પ્રયાસમાં જીત્યો હતો. તે અગાઉ ૨૦૦૮ના બેઈજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો હતો. ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં તે સેમિ ફાઈનલમાં, ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં તે પ્રથમ રાઉન્ડમાં અને ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકમાં તે બ્રોન્ઝ મેડલ મેચમાં હારી ગયો હતો.
યોકોવિચની આ જીત એટલા માટે પણ મહત્વની છે કારણ કે વર્તમાન સિઝનમાં આ પહેલીવાર તેણે કોઈ ટાઈટલ જીત્યું છે. ચાલુ વર્ષે અગાઉ તે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડનની ફાઈનલમાં અલકારાઝ સામે જ હારી ગયો હતો. ઈટાલીના મુસેટીએ ૬-૪, ૧-૬, ૬-૩થી કેનેડાના આલિયાસીમને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે તે ઓલિમ્પિકમાં ૧૦૦ વર્ષ બાદ ઈટાલીને ટેનિસમાં મેડલ જીતાડનારો ખેલાડી બન્યો હતો.