પ્રેગનન્ટ હોવા છતાં ખોટા કેસમાં જેલ બાદ સજામાં માફી
- બ્રિટનમાં ભારતીય મૂળની મહિલા સાથે અન્યાય
- પૂર્વ પોસ્ટ ઓફિસ મેનેજર સીમા મિશ્રાએ તેના સહકર્મીની માફીનો અસ્વીકાર કર્યો
લંડન : બ્રિટનમાં ભારતીય મૂળની આઠ અઠવાડિયાની ગર્ભવતી મહિલાને ખોટા આરોપસર જેલની સજાની ખબર સામે આવી છે. આ મામલો ખોટો હોવાનું સામે આવ્યાના ૩ વર્ષ બાદ મહિલાની માફી માંગવામાં આવી હતી. જે બાદ મહિલાએ કહ્યું કે, માફી માટે મોડું થઈ ગયું છે.
એક રિપોર્ટ મુજબ, ૪૭ વર્ષની સીમા મિશ્રાની સજા એપ્રિલ, ૨૦૨૧ના રોજ રદ્દ કરવામાં આવી હતી. કોર્ટે નિર્ણય જાહેર કરતી વખતે કહ્યું હતું કે, મહિલાને ખોટા આરોપસર જેલની સજા ફટકારાઈ હતી. મહિલા પર આરોપ હતો કે તેણે પોસ્ટ ઓફિસના મેનેજર તરીકે કાર્યરત રહીને ૭૫ હજાર પાઉન્ડની ચોરી કરી હતી.
સીમા મિશ્રાના જણાવ્યા અનુસાર, પૂર્વ એન્જિનિયર ગેરેથ જેનકિંસે તેની માફી માંગી હતી. પરંતુ, આ માફી બહુ મોડી છે. ગેરેથ જેનકિંસે લેખિતમાં માફી માંગતા લખ્યું છે કે, તેમને ખબર નહતી કે સજાના સમયે મિશ્રા ગર્ભવતી હતી. ઉલ્લેખનીય છે કે, પોસ્ટ ઓફિસ કૌભાંડમાં પૂર્વ ઈજનેર જેનકિંસ મુખ્ય સાક્ષી હતી.
સીમા મિશ્રાને દક્ષિણ પૂર્વ ઈંગ્લેન્ડની બ્રોન્ઝફીલ્ડ જેલમાં ચાર મહિના સુધી બંધ રાખવામાં આવી હતી. જે બાદ તેણે ઈલેક્ટ્રોનિક ટેગ પહેરેલા તેના બીજા દિકરાને જન્મ આપ્યો હતો. આ પ્રકારના અનેક કિસ્સાઓ બાદ યુકે સરકારે સેંકડો ડેપ્યુટી પોસ્ટ માસ્ટર્સને લાખો ડોલરનું વળતર આપ્યું હતું.