Get The App

લાહોરમાં હવા પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચતા ભારત પર ઢોળ્યો દોષનો ટોપલો, PMએ કહ્યું ‘અમે ભારત સમક્ષ ઉઠાવીશું મામલો’

CM મોહસિન નકવીએ કહ્યું, ભારતના પ્રાંત પંજાબમાં પરાળી સળગાવવાના કારણે લાહોરમાં પ્રદૂષણ વધ્યું

પાકિસ્તાનના વચગાળાના PMએ કહ્યું, અમે પરાળી સળગાવવાનો મુદ્દે ભારત સમક્ષ રાજદ્વારી સ્તરે ઉઠાવીશું

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
લાહોરમાં હવા પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચતા ભારત પર ઢોળ્યો દોષનો ટોપલો, PMએ કહ્યું ‘અમે ભારત સમક્ષ ઉઠાવીશું મામલો’ 1 - image

લાહોર, તા.31 ઓક્ટોબર-2023, મંગળવાર

દિલ્હી અને ઉત્તરભારતની જેમ પાકિસ્તાનના લાહોરમાં પણ હવા પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. આ મામલે પાકિસ્તાનનું કહેવું છે કે, ભારતના પંજાબમાં પરાળી સળગાવવાના કારણે આવું થઈ રહ્યું છે. ઉપરાંત છેલ્લા ઘણા સમયથી પંજાબ અને હરિયાણા (Punjab-Haryana)માં પરાળી બાળવા (Parali Burned)ની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે વાતાવરણ વધુ ખરાબ થઈ રહ્યું છે. પંજાબમાં ઘણા ખેડૂતો પોતાના ખેતરમાં ડાંગરના પાકની લણણી કર્યા બાદ પરાળી બાળી રહ્યા છે, ત્યારે આ મામલો છેક પાકિસ્તાન (Pakistan) પહોંચ્યો છે અને તેણે વાંધો ઉઠાવી ભારત સમક્ષ રાજદ્વારી સ્તરે મામલો ઉઠાવવાનું જણાવ્યું છે.

અમે ભારત સમક્ષ રાજદ્વારી સ્તરે મુદ્દો ઉઠાવીશું : પાકિસ્તાનના PM

પાકિસ્તાને આજે કહ્યું કે, ‘ભારતના પ્રાંત પંજાબમાં પરાળી સળગાવવાના’ મુદ્દાને તેઓ ભારત સમક્ષ રાજદ્વારી સ્તરે ઉઠાવશે. પાકિસ્તાને કહ્યું કે, પરાળી સળગાવવાથી વિશ્વભરમાં સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક લાહોરમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે. વચગાળાના વડાપ્રધાન અનવારુલ હક કાકર (PM Anwarul Haq Kakar) સાથેની બેઠકમાં પંજાબના કાર્યવાહક મુખ્યમંત્રી મોહસિન નકવી (CM Mohsin Naqvi)એ કહ્યું કે, ભારતીય પ્રાંત પંજાબમાં સળગાવાતી પરાળી લાહોરમાં ધુમાળો ફેલાવવાનું મુખ્ય કારણ છે. તેમણે આ મામલો ભારત સમક્ષ ઉઠાવવા વિનંતી કરી છે. ત્યારબાદ કાકડે પણ આ મુદ્દો ભારત સમક્ષ ઉઠાવવા આશ્વાસન આપી કહ્યું કે, અમે આ મામલોને ભારત સાથે રાજદ્વારી સ્તરે ઉઠાવીશું. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ મામલો ઉકેલાઈ જશે.

ભારતની જેમ પાકિસ્તાનમાં પણ સળગાવાય છે પરાળી

વિશ્વભરમાં સૌથી ખરાબ હવા ગુણવત્તા ધરાવતા શહેરોમાં પાકિસ્તાનના લાહોર (Lahore)નું પણ નામ સામેલ છે. વૈશ્વિક હવા ગુણવત્તા મોનિટરિંગ પ્લેટફોર્મના જણાવ્યા મુજબ સોમવારે લાહોરની એર ક્વોલિટી સૂચકાંક (AQI) 447 સુધી પહોંચી ગઈ હતી. જો હવાની ગુણવત્તા 50 AQIથી નીચે હોય તો તેને શ્વાસ લેવામાં સુરક્ષિત મનાય છે. લાહોર ભારતની સરદથી 20 કિલોમીટર દુર આવેલું છે. ભારતની જેમ પાકિસ્તાનમાં પણ ખેડૂતો આગામી પાકની તૈયારી માટે ચોમાસાના અંતે પરાળી સળગાવે છે.


Google NewsGoogle News