વહેલી સવારમાં 3 દેશોમાં ધરતી ધ્રૂજી, પાકિસ્તાન, ચીન અને પાપુઆ ન્યૂ ગિનીમાં લોકોમાં ભયનો માહોલ
ન્યૂ ગિનીના ઉત્તરી કિનારે 6.5ની તીવ્રતાના જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા
Earthquake Strike: આજે સવાર-સવારમાં પાપુઆ ન્યૂ ગીની ઉપરાંત ભારતના બે પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી હતી. પાપુઆ ન્યૂ ગિનીના ઉત્તરી કિનારે 6.5ની તીવ્રતાના જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ પેસિફિક ટાપુના વેવાક શહેરથી થોડે દૂર દરિયાકિનારે લગભગ 20 કિલોમીટર દૂર અનુભવાયો હતો.
ભારતના આ બે પાડોશી દેશોમાં પણ ભૂકંપથી હડકંપ
આ સિવાય પાકિસ્તાન અને ચીન પણ જોરદાર ભૂકંપથી હડકંપ મચી ગયો હતો. ચીનના જિજાંગમાં 5.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા, તો બીજી તરફ પાકિસ્તાનમાં લોકોએ 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. હાલમાં હજુ સુધી આ ત્રણ દેશોમાંથી કોઈ જાનહાનિના સમાચાર નથી.
ભૂકંપ શા માટે થાય છે?
પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જ્યારે આ પ્લેટો અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પ્લેટની હિલચાલ ભૂકંપ બની જાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી વધુ તબાહી સર્જાતી હોય છે.
કેટલી તીવ્રતા પર કેવો ભૂકંપ અનુભવાય છે?
જો ભૂકંપની તીવ્રતા 0 થી 1.9 રિક્ટર હોય તો તેનો અનુભવ થતો નથી. તેની જાણકારી સિસ્મોગ્રાફ દ્વારા મેળવવામાં આવે છે. બીજી તરફ 2 થી 2.9 રિક્ટર પર હળવી ધ્રુજારી અનુભવાય છે. આ સિવાય તેની તીવ્રતા જો 3 થી 3.9 હોય તો થોડા વધારે આંચકા અનુભવાય છે. આ ઉપરાંત 4 થી 4.9 રિક્ટર હોય તો બારીઓ તૂટી શકે છે જ્યારે 5 થી 5.9 રિક્ટર પર સામાન અને પંખા હલવા લાગે છે. જ્યારે ભૂકંપની તીવ્રતા 6 થી 6.9 હોય ત્યારે ઘરના પાયામાં તિરાડો પડી શકે છે અને જ્યારે તેની તીવ્રતા 7 થી 7.9 સુધી પહોંચે છે ત્યારે મકાનો પડી જાય છે અને ઘણો વિનાશ થઈ શકે છે. અને જો 8 થી 8.9ની તીવ્રતાનો ભૂકંપ આવે તો સુનામીનો ભય પણ રહે છે. જો ભૂકંપની તીવ્રતા 9 હોય તો ત્યારે પૃથ્વી હલતી હોય તેવી નજર આવે છે.