Get The App

પન્નૂની હત્યાનું કાવતરું : અમેરિકાએ રૉના પૂર્વ અધિકારી પર સકંજો કસ્યો

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
પન્નૂની હત્યાનું કાવતરું : અમેરિકાએ રૉના પૂર્વ અધિકારી પર સકંજો કસ્યો 1 - image


- ખાલિસ્તાની આતંકવાદ : કેનેડા પછી અમેરિકાની ભારત વિરુદ્ધ કાર્યવાહી

- ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા રિપુદમન મલિકની મોતનો બદલો લેવા કરાયાનું સ્વીકારવા શીખ જૂથો તૈયાર નહોતા : પૂર્વ એનએસએ

- નિજ્જરની હત્યાના એક વર્ષ પહેલાં સરેમાં જ કનિષ્ક બોમ્બ હત્યાકાંડના આરોપી રિપુદમનની હત્યા થઈ હતી

વોશિંગ્ટન : ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારતના કેનેડા સાથે સંબંધો વણસ્યા છે. આવા સમયે અમેરિકન ઓથોરિટીએ ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નૂની હત્યાનું કાવતરું રચવા મુદ્દે ભારતીય ગુપ્તચર સંસ્થા રૉના પૂર્વ અધિકારી પર આરોપ ઘડયા છે. જોકે, અમેરિકન અધિકારીઓ સાથે બેઠક પછી ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમેરિકન ન્યાય વિભાગે જેની સામે કેસ ચલાવ્યો છે તે વ્યક્તિ હવે ભારત સરકારની કર્મચારી નથી. આ મુદ્દે ભારતીય અધિકારીઓની એક ટીમ હાલ અમેરિકાના પ્રવાસે છે.

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી અંગે કેનેડા સાથે વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં અમેરિકન ઓથોરિટીએ ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નૂની હત્યાના કાવતરાંમાં કથિત સંડોવણીના આરોપ હેઠળ ભારતીય ગુપ્તચર સંસ્થા રૉના ભૂતપૂર્વ અધિકારી વિકાસ યાદવ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. 

અમેરિકન ઓથોરિટીએ ન્યૂયોર્કમાં યુએસ કોર્ટમાં દાખલ કરેલા આરોપનામામાં દાવો કર્યો હતો કે, ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (રૉ)નો પૂર્વ અધિકારી હતો. ૩૯ વર્ષીય યાદવ વિરુદ્ધ ત્રણ આરોપ ઘડાયા છે, જેમાં અમેરિકન-કેનેડિયન નાગરિક ગુરપતવંતસિંહ પન્નૂની હત્યાનું કાવતરું ઘડવા, હત્યા માટે ભાડેથી માણસ રાખવા અને મની લોન્ડરિંગના આરોપોનો સમાવેશ થાય છે. અમેરિકન ન્યાય વિભાગે વિકાસ યાદવને 'ભાગેડૂ' ગણાવ્યો છે. 

અમેરિકાએ તેના આરોપનામામાં દાવો કર્યો છે કે વિકાસ યાદવે મે ૨૦૨૩થી પન્નૂ વિરુદ્ધ કાવતરું રચવા માટે ભારત અને વિદેશમાં અન્ય લોકો સાથે મળીને કામ કર્યું હતું. અમેરિકાએ વિકાસ યાદવ પર મૂકેલા આરોપોની તપાસ માટે ભારતીય અધિકારીઓની એક ટીમ અમેરિકા પહોંચી છે. અમેરિકન સરકારે આ ટીમને પન્નૂની હત્યાના કાવતરાંમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા અને ભારતીય અધિકારીની કથિત સંડોવણી અંગે પૂરાવા આપ્યા હતા.

દરમિયાન કેનેડામાં હરદીપસિંહ નિજ્જરની હત્યાનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. નિજ્જર હત્યાકાંડના વિવાદમાં કેનેડાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસના નિવેદનથી નવો વળાંક આવ્યો છે. તેમણે નિજ્જર હત્યામાં ભારતની સંડોવણી મુદ્દે પીએમ જસ્ટિન ટ્રુડોના દાવાઓની પોલ ખોલી હતી. 

પૂર્વ એનએસએ જોડી થોમસે દાવો કર્યો હતો કે, પ્રારંભિક ગુપ્ત માહિતી અને પોલીસ તપાસમાં જણાયું હતું કે નિજ્જરની હત્યા રિપુદમનસિંહ મલિકની હત્યાનો બદલો લેવા માટે કરાઈ હતી. રિપુદમન પર ૧૯૮૫માં એર ઈન્ડિયાના કનિષ્ક વિમાનમાં બોમ્બ વિસ્ફોટમાં સંડોવણીનો આરોપ હતો. નિજ્જરની હત્યા સમયે જોડી થોમસ એનએસએનાં પદ પર હતાં. તેમણે કેનેડાની વિદેશી હસ્તક્ષેપ તપાસ સમક્ષ હાજર થતાં કહ્યું કે, કેનેડિયન શીખ સમુદાયના કેટલાક લોકો નિજ્જરની હત્યા રિપુદમન મલિકની હત્યાનો બદલો હોવાની બાબતથી સંતુષ્ટ નહોતા. તેઓ આ માટે ભારતને જવાબદાર ઠેરવવા માગતા હતા. જોકે, નિજ્જરની હત્યા એ જ ગુરુદ્વારામાં એક વર્ષમાં થયેલી બીજી હાઈ-પ્રોફાઈલ હત્યા હતી. રિપુદમન મલિકની હત્યા નિજ્જરની હત્યાના એક વર્ષ પહેલાં જુલાઈ ૨૦૨૨માં થઈ હતી.

ખાલિસ્તાન ટાઈગર ફોર્સના નેતા નિજ્જરે રિપુદમન મલિક વિરુદ્ધ જાહેર રૂપે બદનામ કરવાનું અભિયાન ચલાવ્યું હતું અને તેને દેશદ્રોહી જાહેર કર્યો હતો તેમજ તેનો સામાજિક બહિષ્કાર કરવા આહ્વાન પણ કર્યું હતું.

નિજ્જરની હત્યા વિવાદમાં વિપક્ષે ટ્રુડોને ઝાટક્યા

ટ્રુડો અન્ય પ્રશ્નોથી જનતાનું ધ્યાન હટાવવા નિજ્જર વિવાદ ચગાવે છે : બર્નીયર

નિજ્જર વિદેશી આતંકી હતો, ઉભરતી વિશ્વ શક્તિ સાથે ના ઝઘડો : કેનેડાના વિપક્ષી નેતાએ ટ્રુડોને કહ્યું

ઓટાવા : ખાલીસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા અંગે, ભારત અને કેનેડાએ રાજકીય ઘમાસણ ચાલી રહ્યું છે. ટ્રુડો નિજ્જરને કેનેડાનો નાગરિક જણાવી ભારતને ઘેરી રહ્યા છે. ત્યારે કેનેડાના એક વિપક્ષી નેતાએ તેને વિદેશી આતંકવાદી કહેવા સાથે જસ્ટિન ટ્રુડોને કહ્યું છે કે તે વિદેશી આતંકવાદીને લીધે ઉભરી રહેલી વૈશ્વિક તાકાત સાથે ન ઝઘડો.

પીપલ્સ પાર્ટી ઓફ કેનેડાના નેતા મેક્ષિમ બર્નિયરે ગુરૂવારે કહ્યું હતું કે હરદીપ સિંઘ નિજ્જર એક વિદેશી આતંકવાદી હતો તેને ૨૦૦૭માં કોઈપણ રીતે કેનેડાની નાગરિકતા આપવામાં આવી હતી. આવા આતંકવાદી અંગે વિવાદમાં પડવાને બદલે ઉભરતી રહેલી વિશ્વ શક્તિ ભારત સાથે તેણે વિવાદ ઉકેલવો જોઇએ.

બર્નીયરે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટ પર લખ્યું : એક મિથ (દંતકથા) તોડવાની જરૂર છે. તે એ છે કે હરદીપ સિંઘ નિજ્જર કેનેડીયન હતો. વાસ્તવમાં કેનેડીયન હતો જ નહીં, તેણે ૧૯૯૭માં છેતરપિંડી કરી શરણ લેવા પ્રયાસ કર્યો હતો. તેની અરજીનો અસ્વીકાર કરાયો હતો. છતાં તેને દેશમાં (કેનેડામાં) રહેવા દીધો અને ૨૦૦૭માં તેને કેનેડીયન નાગરીક બનાવ્યો.

આ એક મોટી પ્રશાસનિક ભૂલ હતી. તેને તે વખતે જ દેશનિકાલ કરવાની જરૂર હતી તેને બદલે તેને નાગરિકતા અપાઈ. હવે તો તેનું મૃત્યુ થયું છે. હવે તો તેને કેનેડાનાં નાગરિક તરીકે ન જણાવો. તેમ પણ મેક્ષીમ બર્નીયરે તેમનાં ટ પરનાં પોસ્ટમાં જણાવ્યું હતું.

બર્નીયરે કેનેડા સરકારની શરણનીતિનો પણ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું આ બધું તેટલા માટે થઇ રહ્યું છે કે કેનેડાએ દાયકાઓથી જાણી જોઇને તે વિદેશીઓ અને તેના કબાયાતી સંઘર્ષોને આપણા દેશમાં આમંત્રિત કર્યા છે. આ ગંભીરભૂલ સમજવી જોઇએ. અને તે મુદ્દા ઉપર ઉભરી રહેલી એક વિશ્વ શક્તિને ઓળખવી જોઇએ. તેની સાથેા સંબંધો ખતરામાં નાખવાને બદલે સમાધાન શોધી ભારત સરકાર સાથે કામ કરવું જોઇએ.


Google NewsGoogle News