પન્નૂની હત્યા ષડયંત્ર મામલે અમેરિકન કોર્ટે બાઈડન સરકારની ઝાટકણી કાઢી, નિખિલ ગુપ્તાને મળી શકે છે મોટી રાહત
Image Source: Twitter
- 30 જૂને નિખિલની ચેક રિપબ્લિકમાંથી ધરપકડ કરવામાં આવી હતી
નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી 2024, ગુરૂવાર
Pannun Murder Plot: અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નૂની હત્યાના કથિત ષડયંત્ર રચવા મામલે નિખિલ ગુપ્તાને ટૂંક સમયમાં રાહત મળી શકે છે. અમેરિકન કોર્ટે નિખિલ ગુપ્તાના વકીલો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સરકારને જવાબ આપવાનો આદેશ આપ્યો છે. ગુપ્તાના વકીલોએ ષડયંત્રમાં તેમના વિરુદ્ધ આરોપો સાથે સબંધિત સામગ્રી માંગી છે.
અમેરિકન કોર્ટે બાઈડન સરકારની ઝાટકણી કાઢી
4 જાન્યુઆરી 2024ના રોજ બચાવ પક્ષના વકીલે દસ્તાવેજોની માંગણીને લઈને કોર્ટ સમક્ષ એક દરખાસ્ત દાખલ કરી હતી જેમાં અનુરોધ કરવામાં આવ્યો હતો કે કોર્ટ એક આદેશ જારી કરે જેમાં સરકારને બચાવ પક્ષના વકીલને સંબંધિત દસ્તાવેજો સોંપવાનો આદેશ આપવામાં આવે. જેના પર સુનાવણી કરતા અમેરિકા ડિસ્ટ્રિક્ટ જજ વિક્ટર મેરેરોએ આદેશ આપ્યો કે સરકાર ત્રણ દિવસની અંદર આનો જવાબ આપે.
નિખિલ ગુપ્તા પર પન્નૂની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ
ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર અમેરિકન અધિકારીઓએ ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નૂની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકી સરકારના અનુરોધ પર 30 જૂને નિખિલની ચેક રિપબ્લિકમાંથી ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેઓ અમેરિકન પોલીસની કસ્ટડીમાં છે. અમેરિકન ફેડરલ પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો છે કે ગુપ્તા એક ભારતીય સરકારી કર્મચારી સાથે પન્નૂની હત્યાનું કાવતરું ઘડવા પર કામ કરી રહ્યા હતા, જેની પાસે અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા છે.
ભારતના 52 વર્ષીય ગુપ્તા પર હત્યારાને હાયર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જેમાં મહત્તમ 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.