અમને હંમેશા ભારત તરફથી સમર્થન મળતુ રહ્યુ છે, પેલેસ્ટાઈને ભારતનો આભાર માન્યો
image : Twiter
નવી દિલ્હી,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ માટે યુએનમાં ફરી જંગી બહુમતીથી પ્રસ્તાવ પસાર કરાયો છે. જેમાં ભારતે પણ યુધ્ધ વિરામના પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કર્યુ છે.
એ પછી પેલેસ્ટાઈન દ્વારા ભારતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારત સ્થિત પેલેસ્ટાઈનની એમ્બેસીના કાઉન્સિલર બાસેમ એફ હેલિસે કહ્યુ હતુ કે, પેલેસ્ટાઈન ઈઝરાયેલની આક્રમકતાને રોકવા માટે અને તેની સામે દુનિયાને એક થવા માટે માંગ કરી રહ્યુ છે. આ સંઘર્ષ યહૂદીઓ તેમજ મુસ્લિમો વચ્ચે નથી. આ યુધ્ધ કોઈ ધાર્મિક યુધ્ધ નથી. હું તમામ ધર્મોનુ સન્માન કરુ છું અને તેમાં યહૂદી ધર્મ પણ આવી જાય છે પણ અત્યારે જે જંગ ચાલી રહ્યો છે તે 100 વર્ષથી વધારે સમયથી અમારી માતૃભૂમિ પર થયેલા કબ્જાને લઈને છે.
હેલિસે આગળ કહ્યુ હતુ કે, આ જંગ સાત ઓક્ટોબરથી નથી શરુ થયો બલ્કે તે લાંબા સમયથી ચાલી રહ્યુ છે અને દર વખતે પેલેસ્ટાઈન ભારતીય લોકોના સમર્થનની અપેક્ષા રાખતુ રહ્યુ છે. અમને માત્ર મુસ્લિમો જ નહીં પણ દરેક ધર્મના લોકોનુ સમર્થન મળી રહ્યુ છે. અમે અમારા ઘરમાં યુધ્ધને રોકવા માંગીએ છે. અમારુ સમર્થન કરવા બદલ અને દર વખતે અમારી સાથે રહેવા બદલ અમે ભારત અને ભારતના લોકોનો આભાર માનીએ છે.
દરમિયાન ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરીએ પણ ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહીને નરસંહાર સાથે સરખાવીને કહ્યુ હતુ કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે ગાઝામાં યુધ્ધ સમાપ્ત કરવા માટે આહ્વાન કરવુ જોઈએ.
ઉલ્લેખનીય છે કે, બે મહિના કરતા વધારે સમયથી ચાલી રહેલા જંગમાં ગાઝા પટ્ટીમાં જ 18000 કરતા વધારે લોકોના મોત થયા હોવાનુ પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયનુ કહેવુ છે. જોકે ઈઝરાયેલ હમાસને ખતમ કર્યા વગર જંગ રોકવાના મૂડમાં નથી.