પેલેસ્ટાઈન સમર્થકોનો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઉત્પાત, યહૂદી દેશનુ સમર્થન કરનારા નેતાના પેઈન્ટિંગની તોડફોડ
Image Source: Twitter
લંડન, તા. 10. માર્ચ. 2024 રવિવાર
બ્રિટનમાં પ્રદર્શનકારીઓને દેખાવોના નામે કાયદો હાથમાં લેવા સામે તાજેતરમાં જ વડાપ્રધાન ઋષિ સુનકે ચેતવણી આપી હતી.જોકે પેલેસ્ટાઈન સમર્થકોના વિરોધ પ્રદર્શન ચાલુ જ છે અને આ વખતે દેખાવકારોએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાં ઉત્પાત મચાવ્યો છે.
કોલેજમાં બ્રિટનના નેતા લોર્ડ આર્થર જેમ્સ બારફોરનુ 1914નુ એક ઐતહાસિક પેઈન્ટિંગ લગાવાયુ છે.આ એ જ નેતા છે જેમણે યહૂદી દેશના નિર્માણની ફેવર કરી હતીદેખાવકારોએ જ્યાં તેમનુ પેઈન્ટિંગ રાખ્યુ હતુ તે હોલમાં ઘૂસીને આ પેઈન્ટિંગ પર કલર સ્પ્રે માર્યો હતો અને પછી પેઈન્ટિંગને ફાડી નાંખ્યુ હતુ.તેના પર લગાવાયેલો કાચ પણ તોડી નાંખ્યો હતો.
આ ઘટના શુક્રવારે બની હોવાનુ મનાઈ રહ્યુ છે.એ પછી દેખાવકારોએ ગર્વથી સોશિયલ મીડિયા પર તેનો એક વિડિયો પણ શેર કર્યો હતો અને કહ્યુ હતુ કે, અમારા જ એક કાર્યકરે આ કામ કર્યુ છે.
પેલેસ્ટાઈન એક્શન વેબસાઈટ નામના હેન્ડલ પર જણાવવામાં આવ્યુ હતુ કે, લોર્ડ બાલફોરના યહૂદી રાષ્ટ્રના પ્રસ્તાવનુ 1917માં સમર્થન કરવામાં આવ્યુ હતુ અને પેલેસ્ટાઈનમાં બહુમતી લોકો યહૂદી નહીં હોવા છતા અહીંયા તેમને અલગ દેશ આપવાનો વાયદો કરાયો હતો.
લોર્ડ બારફોરના પેઈન્ટિંગની તોડફોડનો એક વિડિયો પણ શેર કરવામાં આવ્યો છે.સાથે સાથે સંદેશ આપવામાં આવ્ય છે કે, પેલેસ્ટાઈન એક્શન ગ્રુપ ઈઝરાયેલને હથિયારો સપ્લાય કરતી બ્રિટિશ કંપની એલ્બિટ સિસ્ટમનો પણ વિરોધ કરે છે.જયાં સુધી એલ્બિટ સિસ્ટમ કંપની બંધ નહીં થાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે.