Get The App

પાકિસ્તાનના પંજાબમાં પહેલીવાર મહિલા CM, કોઈ શીખને મંત્રી બનાવાયાની પણ પ્રથમ ઘટના

સૌથી પહેલા પંજાબને મરિયમ નવાઝના રૂપમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળ્યા

નારોવાલથી ધારાસભ્ય 48 વર્ષીય રમેશ સિંહ અરોરા બુધવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મંત્રી પદના શપથ લેનાર લઘુમતી શિખ સમુદાયથી પહેલા વ્યક્તિ બન્યા

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનના પંજાબમાં પહેલીવાર મહિલા CM, કોઈ શીખને મંત્રી બનાવાયાની પણ પ્રથમ ઘટના 1 - image


ઈસ્લામાબાદ, તા. 07 માર્ચ 2024 ગુરૂવાર

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સતત બે એવી ઘટના જોવા મળી છે જે અગાઉ ક્યારેય થઈ નથી. સૌથી પહેલા પંજાબને મરિયમ નવાઝના રૂપમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળ્યા. હવે પંજાબના ઈતિહાસમાં પહેલી વખત કોઈ શિખને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. નારોવાલથી ધારાસભ્ય 48 વર્ષીય રમેશ સિંહ અરોરા બુધવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મંત્રી પદના શપથ લેનાર લઘુમતી શિખ સમુદાયથી પહેલા વ્યક્તિ બન્યા.

રમેશ સિંહ અરોરા નારોવાલથી પ્રાંતીય એસેમ્બલીના ત્રણ વખતના સભ્ય છે. તેમણે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રી અને મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફના નેતૃત્વવાળી તાજેતરમાં જ ચૂંટાયેલ પાકિસ્તાન મુસ્લિમ લીગ (પીએમએલ-એન) સરકારના મંત્રીમંડળમાં મંત્રી તરીકે શપથ લીધા. આ સમારોહ લાહોરના ગવર્નર હાઉસમાં આયોજિત કરવામાં આવ્યુ હતુ. મરિયમના કાકા શહબાઝ શરીફને તાજેતરમાં જ પાડોશી દેશના વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 

અરોરાએ કહ્યુ, 1947માં ભાગલા બાદ આ પહેલી વખત છે કે કોઈ શિખને પંજાબ પ્રાંતના કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. હુ ન માત્ર શિખ પરંતુ પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ અને ખ્રિસ્તીઓ સહિત તમામ લઘુમતીની સુરક્ષા અને ભલાઈ માટે કામ કરીશ. અરોરાને તાજેતરમાં જ પાકિસ્તાન શિખ ગુરુદ્વારા મેનેજમેન્ટ સમિતિના પ્રમુખ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં તાજેતરમાં જ થયેલી ચૂંટણીમાં અરોરાને નારોવાલથી વિધાનસભા સભ્ય તરીકે ફરીથી પસંદ કરવામાં આવ્યા. તેઓ ત્યાંના જ રહેવાસી છે. આ તે જગ્યા છે જ્યાં ગુરુ નાનકના અંતિમ વિશ્રામ સ્થળ ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબ સ્થિત છે. ગયા વર્ષે તેમની કરતારપુર કોરિડોર માટે રાજદૂત તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી. 

અરોરાએ કહ્યુ કે 1947માં ભાગલા દરમિયાન તેમના પરિવારે બહુવિધ શિખ/હિંદુ પરિવારોની જેમ ભારતમાં રહેવાના બદલે પાકિસ્તાનમાં જ રહેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. તેમણે કહ્યુ, મારો જન્મ નનકાના સાહિબમાં થયો હતો પરંતુ બાદમાં અમે નારોવાલ જતા રહ્યા. મારા દાદાજીએ પોતાના પ્રિય મિત્રના આગ્રહ પર વિભાજન દરમિયાન પાકિસ્તાનમાં રહેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. માત્ર મિત્રતાના કારણે તેમણે ત્યાં જ રોકાવાનો નિર્ણય કર્યો. અરોરાને લઘુમતી મામલાના વિભાગની જવાબદારી મળવાની શક્યતા છે. 

ગવર્નમેન્ટ કોલેજ યુનિવર્સિટી, લાહોરથી આંત્રપ્રેન્યોરશિપ એન્ડ એસએમઈ મેનેજમેન્ટમાં પોસ્ટગ્રેજ્યુએટ, અરોરાએ રાજકારણમાં આવ્યા પહેલા પાકિસ્તાનમાં વર્લ્ડ બેન્કના ગરીબી નિવારણ કાર્યક્રમ માટે કામ કર્યું. 2008માં તેમણે મોજાજ ફાઉન્ડેશનની સ્થાપના કરી, જે પાકિસ્તાનમાં વંચિત અને નિરાધાર માટે કામ કરનાર સંગઠન છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના 50 વર્ષીય પુત્રી મરિયમે ગયા અઠવાડિયે પાકિસ્તાનના સૌથી વધુ વસતી ધરાવતા અને રાજકીયરીતે મહત્વપૂર્ણ પંજાબ પ્રાંતના પહેલા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મરિયમને ત્રણ વખતના પૂર્વ વડાપ્રધાન 74 વર્ષીય નવાઝ શરીફના રાજકીય ઉત્તરાધિકારી માનવામાં આવે છે. 


Google NewsGoogle News