પાકિસ્તાનમાં પણ દિવાળી, મુખ્યમંત્રી મરિયમ નવાઝે કહ્યું - ભારત સાથે મળી પ્રદૂષણ ખતમ કરીશું
Lahore CM Celebrated Diwali: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી અને પંજાબના મુખ્ય મંત્રી મરિયમ નવાઝ શરીફે 30 ઓક્ટોબરે 90-શાહરાહ-એ-કાયદ-એ-આઝમ ખાતે દિવાળી ઉજવી હતી. આ દિવાળીની ઉજવણી કરતી વખતે મરિયમે રાજ્યમાં લઘુમતીઓને ટેકો આપવા માટે વિવિધ પહેલોની જાહેરાત કરી હતી.
મરિયમ નવાઝે જણાવ્યું હતું કે, મેં પંજાબ, ભારતના મુખ્યમંત્રી ભગવંત સિંહ માનને એક પત્ર લખ્યો છે, જેમાં હવાના પ્રદૂષણને દૂર કરવાના સંયુક્ત પ્રયાસોનો ઉલ્લેખ છે. આપણે ભારત સાથે મળીને આ પ્રદૂષણની સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવીશું.
લઘુમતીઓના અધિકારોની કરી વાત
પાકિસ્તાનમાં લઘુમતી કોમ હિન્દુઓના અધિકારોના રક્ષણ પર ભાર મૂક્યો હતો. તેમજ લાહોરમાં પ્રદૂષણ મુદ્દે રાજકારણ રમવાને બદલે તેને માનવીય ચિંતા સ્વરૂપે જોવા અપીલ કરી હતી. જેથી આ સમસ્યાને ઝડપથી ઉકેલી શકાય. મરિયમ નવાઝે લઘુમતી સમુદાયો માટે વિશેષ કાર્ડ જારી કરવાની અને લઘુમતી વર્ચ્યુઅલ પોલીસ સ્ટેશનની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. તેમણે લઘુમતી વિસ્તારોમાં વિકાસ સુધારવા માટે રાજ્ય સરકારની યોજનાઓ વિશે પણ સમજાવ્યું હતું.
પરંપરાગત દિવાળીની ઉજવણી કરી
પરંપરાગત દિવાળીના દીવા પ્રગટાવ્યા અને વર્ચ્યુઅલ ફટાકડામાં પણ ભાગ લીધો. પંજાબના મુખ્યમંત્રીએ હિન્દુ મહિલાઓ સાથે વાતચીત કરી અને 1,400 હિન્દુ પરિવારોને 15,000 રૂપિયાના ચેકનું વિતરણ કર્યું હતું. લઘુમતી સમુદાયોને સમર્થનની ખાતરી આપતાં તેમણે કહ્યું કે, ‘જો કોઈ લઘુમતીઓ પર અત્યાચાર કરે છે, તો હું પીડિત સાથે ઉભી રહીશ. આપણે બધા પાકિસ્તાની છીએ અને દિવાળી એ શાંતિ, સૌહાર્દ અને પ્રેમનું પ્રતીક છે.’
મરિયમ નવાઝ શરીફ આ વર્ષની શરૂઆતમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. તેમણે ફેબ્રુઆરી 2024માં પદ સંભાળ્યું અને પાકિસ્તાનના કોઈપણ પ્રાંતની મુખ્યમંત્રી બનનાર પ્રથમ મહિલા બનીને ઈતિહાસ રચ્યો હતો.