ગ્વાડર બંદર 'આપી' ચીન પાસે ધાર્યું કરાવવાની પાકિસ્તાનની નીતિ નિષ્ફળ : સામો ધક્કો મળ્યો
- સેકન્ડ-સ્ટ્રાઈક -ન્યુકિલયર કેપેબિલિટી સુધી પહોંચાડવામાં શી-જિનપિંગે પાકિસ્તાનને 'ડીંગો' દેખાડી દીધો
ઇસ્લામાબાદ, બૈજિંગ : દાયકાઓથી ત્રાસવાદ, ગરીબી, મુદ્રાસ્ફિતિ (ફુગાવા), ચૂંટણીમાં ગોટાળા, જનતાના વિદ્રોહ, બેકારી રાજકીય અસ્થિરતા અને આર્થિક કટોકટી અનુભવી રહેલું પાકિસ્તાન તેના 'ઓલ-વેધર ફ્રેન્ડ એન્ડ એલાઈ' ચીનનો હાથ ગ્વાડર બંદરના સાટે ચીન પાસેથી ધાર્યું કરાવી લેવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે.
તાજેતરમાં જ ચીન અને પાકિસ્તાનના લશ્કરી તેમજ નાગરિક તંત્રના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી, તેમાં બલુચિસ્તાનમાં આવેલા ગ્વાડર બંદરની પરિસ્થિતિ તથા કહેવાતા ચાયના-પાકિસ્તાન, ઇકોનોમિક કોરિડોર રચવાની વાત વિષે પણ ચર્ચા થઈ હતી તથા દેશના આર્થિક સ્થિતિ વિષે પણ ચર્ચા થઈ હતી. પરંતુ ગ્વાડરનો વહીવટ અત્યારે સંપૂર્ણ રીતે ચીનના હાથમાં છે. તે પોતાને સોંપવાની પાકિસ્તાનની માગણી ચીને કયારનીયે ફગાવી દીધી છે.
વાસ્તવમાં છેલ્લા કેટલાયે સમયથી બલુચિસ્તાનમાં સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલે છે. તેમાં ચીની ઇજનેરો સહિત અન્ય ચીની નાગરિકોને બંદૂકના નિશાન બનાવી દેવાય છે. તેમને રક્ષવામાં પાકિસ્તાન નિષ્ફળ જતાં ચીન ગિન્નાયું છે. માત્ર ગ્વાડર- બલુચિસ્તાન જ નહીં પરંતુ સિંધ અને સરહદ પ્રાંતમાં પણ ચીનાઓ ઉપર હુમલા થાય છે. આ સંયોગમાં પણ પાકિસ્તાને ચીન પાસે અરજ કરી છે કે તેની ન્યુક્લિયર સ્ટ્રાઇક કેપેસિટી (પરમાણુ શસ્ત્ર હુમલાની ક્ષમતા) વધારવામાં સહાય કરે અને તેમાં પરમાણુ શસ્ત્ર કાર્યક્રમમાં મદદ કરે. આ માટે પાકિસ્તાન તેની સેકન્ડ સ્ટ્રાઇક કેપેબિલીટી (વળતા પ્રહારની શકિત) વધારવા ચીનને કહ્યું ત્યારે ચીને તેનો સ્પષ્ટ અસ્વીકાર કર્યો છે. તે પાકિસ્તાનને વધુ એટમ બોંબ બનાવવામાં મદદ કરવા તૈયાર નથી. આથી પાકિસ્તાને ગ્વાડરનો જે અત્યારે ચીન સંભાળે છે તે પોતાના હાથમાં લેવાની રીતસર ધમકી જ આપી. પરંતુ ચીનને તેની કોઈ અસર માત્ર થઈ નથી. દેવાના બોજામાં દટાયેલા પાકિસ્તાને દેવાના હપ્તા ભરવા માટે પણ ચીન તરફથી મળતી સહાય બંધ કરવાની પણ ધમકી આપી છે. આમ ચીનને દબડાવવા જતાં પાકિસ્તાનને સામે ફટકો પડયો છે.