પાકિસ્તાનમાં રમકડાંની બંદૂકો પર લગાવાયો પ્રતિબંધ! જાણો શા માટે લેવાયો આવો નિર્ણય
Pakistan News: પાકિસ્તાનમાં આવેલા પેશાવર શહેરમાં બગડતી કાયદો-વ્યવસ્થાને ધ્યાને લેતા સ્થાનિક તંત્રએ રમકડાંની બંદૂકો અને ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં મુફ્તી શાકિરના મોત બાદ લેવાયો છે.
પેશાવરના ડેપ્યુટી કમિશ્નર સરમદ સલીમ અકરમે નોટિફિકેશન જાહેર કરતા કહ્યું કે, રમકડાંની બંદૂકો અને ફટાકડા પર CRPC કલમ 144 હેઠળ પ્રતિબંધ લાગુ થશે. આદેશ અનુસાર, આ પ્રતિબંધ ઈદ ઉલ ફિતર 2025 દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવા માટે લેવાયો છે. તેનાથી આતંકવાદી પ્રવૃત્તિઓના પ્રોત્સાહનને રોકી શકાશે. આ પ્રતિબંધનો ઉદ્દેશ્ય વેપારીઓ અને અધિકારીઓ બંનેને કોઈ અસુવિધાથી બચાવવાનો પણ છે.
કડક કાર્યવાહીના નિર્દેશ
ડેપ્યુટી કમિશ્નરે કહ્યું કે, રમકડાંની બંદૂકો વેચનારા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ થશે. જે 30 દિવસ સુધી લાગૂ રહેશે. કોઈ પણ ઉલ્લંઘન પર કલમ 188 હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
મુફ્તી શાકિરના મોતનો મામલો
આ નિર્ણય ત્યારે લેવાયો જ્યારે પેશાવરના ઉરમાર વિસ્તારમાં એક મસ્જિદની બહાર થયેલા બોમ્બ વિસ્ફોટમાં મુફ્તી મુનીર શાકિર, જે પ્રતિબંધિત લશ્કર-એ-ઇસ્લામના સંસ્થાપક હતા, તેમનું મોત થયું. બોમ્બ વિસ્ફોટ તે સમયે થયો જ્યારે મુફ્તી શાકિર અસ્ત્રની નમાઝ માટે મસ્જિદમાં દાખલ થઈ રહ્યા હતા. આ વિસ્ફોટમાં ત્રણ અન્ય લોકો ઘાયલ થયા, જેમને લેડી રીડિંગ હોસ્પિટલ લઈ જવાયા.
તંત્રની પ્રતિક્રિયા
આ ઘટના બાદ, સ્થાનિક તંત્રએ રમકડાંની બંદૂકો અને ફટાકડાઓ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો, જેથી શાંતિ જાળવી રાખી શકાય અને કોઈપણ પ્રકારની આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાથી રોકી શકાય.