લાહોર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર, હવાની ગુણવત્તા સુધારવા પાકિસ્તાન લેશે મહત્ત્વના પગલાં
Lahore is the Most Polluted City: પાકિસ્તાનના સાંસ્કૃતિક હબ ગણાતા શહેર લાહોરને વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર જાહેર કરાયું છે. તેનો 394નો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ઘણો વધુ છે. સામાન્યપણે 150થી વધુના એક્યુઆઈને સ્વાસ્થ્ય માટે જોખમી માનવામાં આવે છે. આ જોખમી સ્મોગ માટે મુખ્યત્વે ખેડૂતો દ્વારા પરાળી બાળવાની ક્રિયા તેમજ ઔદ્યોગિક ઉત્સર્જનને જવાબદાર માનવામાં આવે છે જેના કારણે સમગ્ર શહેરના રહેવાસીઓમાં ખાંસી, શ્વાસની તકલીફ અને આંખની બળતરા જેવી સમસ્યા જોવા મળી રહી છે.
સ્મોગના સ્તર ઘટાડવા માટે વિવિધ પગલાઓ લેવાશે
આ કટોકટીનો સામનો કરવા મરયમ નવાઝના નેતૃત્વ હેઠળની પંજાબ સરકારે સ્મોગના સ્તર ઘટાડવા કૃત્રિમ વરસાદ સહિત એકથી વધુ અભિયાન શરૂ કર્યા છે. વધુમાં સરકારે સ્મોગ વિરોધી ટૂકડીની રચના કરી છે જે ખેડૂતોને પરાળી બાળવાના જોખમ વિશે માહિતગાર કરશે. તેઓ પરાળીના નિકાલ માટે સુપર સીડર્સ જેવા વૈકલ્પિક પગલા સૂચવશે.
પાકિસ્તાનની ભારત સાથે 'ક્લાઈમેટ ડિપ્લોમસી' માટે અપીલ
પંજાબના પર્યાવરણ વિભાગે જણાવ્યું છે કે આ બાબતમાં નોંધપાત્ર સુધારાનો અનુભવ કરતા આઠથી દસ વર્ષનો સમય લાગશે. સ્કૂલના અભ્યાસક્રમોમાં પર્યારણીય શિક્ષણ પણ રજૂ કરવામાં આવ્યું છે જેથી સ્મોગ વિશે જાગૃકતા કેળવી શકાય. દરમ્યાન પંજાબ સરકારે ભારત સાથે હવામાન ડિપ્લોમેસીની હાકલ કરી છે જેનાથી બંને દેશોમાં પરાળી બાળવાની ઘટના રોકવા સંયુક્ત પ્રયાસો કરી શકાય.
પાકિસ્તાનની પંજાબ સરકાર આ પર્યાવરણલક્ષી જોખમનો સામનો કરવા પ્રતિબદ્ધ છે અને તેણે જણાવ્યું છે કે જાહેર આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે તાત્કાલિક પગલા લેવા મહત્વના છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ફરી ભડકો, રાષ્ટ્રપતિને સત્તાથી બેદખલ કરવા લોકોની ભીડે કરી ઘેરાબંદી, 5 ઘાયલ