પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની ચાર વર્ષ બાદ આજે થઈ 'ઘર વાપસી', પહોંચ્યા ઈસ્લામાબાદ
image : Twitter
ઈસ્લામાબાદ,તા.21 ઓક્ટોબર 2023,શનિવાર
પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની ચાર વર્ષ બાદ આજે ઘરવાપસી થઈ છે. 2019થી શરીફ લંડનમાં રહેતા છે. ગુરુવારે પાકિસ્તાનની એક સ્થાનિક કોર્ટે નવાઝ શરીફની ધરપકડ પર રોક લગાવ્યા બાદ તેમનો પાકિસ્તાન પાછા ફરવાનો માર્ગ મોકળો થયો છે. શરીફ આજે લંડનથી પાકિસ્તાનના ઈસ્લામાબાદ પહોંચ્યા છે.
નવાઝને 2018માં કોર્ટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવીને જેલમાં ધકેલી દીધા હતા. એ પછી તેમને સારવાર માટે વિદેશ જવા માટે 2019માં કોર્ટે મંજૂરી આપી હતી. ત્યાર પછી શરીફ લંડનમાં જ રહેતા હતા.
નવાઝ શરીફ સામેના કેસ હજી પણ કોર્ટમાં પેન્ડીંગ છે. આ સંજોગોમાં પાકિસ્તાન પાછા ફરતાની સાથે જ તેમની ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના હતી અને તેના કારણે શરીફ પાછા આવવાનુ ટાળી રહ્યા હતા. જોકે કોર્ટે ગુરુવારે એક અરજીની સુનાવણી દરમિયાન નવાઝની 24 ઓક્ટોબર સુધી ધરપકડ નહીં કરવા માટે આદેશ આપ્યો છે.
જેના પગલે શરીફ આજે પાકિસ્તાન પાછા ફર્યા છે. તેમના સ્વાગતમાં એરપોર્ટ પર તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા. શરીફના ભાઈ અને પાકિસ્તાનના પૂર્વ પીએમ શાહબાઝ શરીફે પણ કાર્યકરોને નવાઝ શરીફનુ ભવ્ય સ્વાગત કરવા માટે અપીલ કરી હતી.
શરીફ 1976થી રાજનીતિમાં સક્રિય છે અને 1981માં તે પંજાબ રાજ્યના નાણા મંત્રી બન્યા હતા. 1985માં તેઓ સીએમ પણ બન્યા હતા. એ પછી પાકિસ્તાન મુસ્લિમ લીગ સાથે તેમણે છેડો ફાડ્યો હતો અને પોતાની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝની સ્થાપના કરી હતી.
1990માં તેઓ પહેલી વખત પાકિસ્તાનાન પીએમ બન્યા હતા. જોકે રાષ્ટ્રપતિ ગુલામ ઈશાક ખાન સાથે ટકરાવના પગલે રાષ્ટ્રપતિએ તેમને ભ્રષ્ટાચારના મામલામાં વડાપ્રધાન પદેથી હટાવી દીધા હતા. જોકે 1993માં સુપ્રીમ કોર્ટે ફરી તેમને વડાપ્રધાન પદે બહાલ કર્યા હતા.
1997માં તેઓ ફરી પાકિસ્તાના વડાપ્રધાન બન્યા હતા. તેમના આ કાર્યકાળ દરમિયાન કારગીર વોર થયુ હતુ. આ યુધ્ધના માસ્ટર માઈન્ડ ગણાતા આર્મી ચીફ પરવેઝ મુશરફે નવાઝ શરીફ પાસે સત્તા આંચકી લીધી હતી.
2013માં નવાઝ ફરી પાકિસ્તાનના પીએમ બન્યા હતા. 2016માં પનામા પેપર પ્રકરણમાં તેમનુ નામ સામે આવ્યા બાદ શરીફ પરિવાર પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા. જેના કારણે તેમને જેલની સજા પણ થઈ હતી અને તેમણે વડાપ્રધાન પદ પણ ગુમાવ્યુ હતુ.