Get The App

4000થી વધુની ધરપકડ, પાકિસ્તાનમાં ફરી અરાજકતા, ઈમરાન ખાનના સમર્થકો ઊતર્યા માર્ગો પર

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
Pakistan Violence


Pakistan Violence And Crisis: પાકિસ્તાનમાં મોટાપાયે અરાજકતા ફેલાઈ છે. એકતરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે તેમના સમર્થકો હિંસક દેખાવો કરી રહ્યા છે. તો બીજી તરફ સાંપ્રદાયિક તોફાનો પણ ફાટી નીકળ્યા છે. વધુમાં આતંકવાદી હુમલા પણ વધ્યા છે. પોલીસે 4000થી વધુ લોકોની ધરપકડ કરી છે. જેમાં સાંસદો પણ સામેલ છે.

ઈમરાન ખાન પર 150થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. જેમાં ગુરૂવારે તોશાખાના કેસમાં જામીન મળ્યા હોવા છતાં તે જેલમાંથી મુક્ત કરવામાં ન આવતાં તેના પક્ષ  પાકિસ્તાન તહેરીક એ ઈન્સાફ (પીટીઆઈ) ના કાર્યકરો, સાંસદો અને નેતાઓએ દેખાવો કર્યા હતા.

4000થી વધુ સમર્થકોની ધરપકડ

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે ઈસ્લામાબાદમાં હિંસા ફાટી નીકળી છે. ઈમરાન ખાનના સમર્થકો તેમની જેલમાંથી મુક્ત કરવાની માગ સાથે હિંસક દેખાવો કરી રહ્યા છે. પોલીસે આ મામલે 4000થી વધુ સમર્થકોની ધરપકડ કરી છે. તેમાં પાંચ સાંસદ પણ સામેલ છે. પંજાબ અને ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તૂનખ્વામાં મોબાઈલ-ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. ઈસ્લામાબાદને રેડઝોન જાહેર કરી બંધ કરવામાં આવ્યો છે.

ઈમરાન ખાનના હિંસક દેખાવો પર કાર્યવાહી કરતાં પોલીસે ટીઅર ગેસના સેલ છોડ્યા હતા. તેમજ ચુસ્ત બંદોબસ્તમાં બહાર નીકળનાર પ્રત્યેક વ્યક્તિની ધરપકડ કરી રહી છે.

આ પણ વાંચોઃ ઇમરાન ખાનની પાર્ટીની ''વિરોધ-કૂચ'' પૂર્વેથી ઇસ્લામાબાદમાં ''તાળાં-બંધ'' તૈયારીઓ થઈ હતી

3 દિવસમાં 82ના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહના કુર્રમ જિલ્લામાં કોમી તોફાનો ફાટી નીકળ્યા છે. જ્યાં શિયા અને સુન્ની વચ્ચે કોમી હિંસામાં ત્રણ દિવસમાં 83 લોકો માર્યા ગયા છે, 150થી વધુ ઘાયલ છે. કુર્રમમાં 300થી વધુ પરિવારોએ પલાયન પણ કર્યા છે. ગત ગુરૂવારે (21 નવેમ્બર) 200 શિયા મુસ્લિમોને લઈ જતાં એક કાફલા પર ગોળીબાર થતાં 40થી વધુના મોત થયા હતાં. હુમલો સુન્નીએ કરાવ્યો હોવાના અહેવાલો સાથે જ બંને વચ્ચે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. સુન્ની બહુમતી ધરાવતા દેશ પાકિસ્તાનમાં શિયા અને સુન્ની વચ્ચે વર્ષોથી લડાઈ ચાલી રહી છે. 

પાકિસ્તાનમાં આતંકી હુમલા પણ વધ્યા

પાકિસ્તાનમાં આતંકી હુમલાનું પ્રમાણ પણ વધ્યું છે. ઓગસ્ટમાં 59 આતંકી હુમલા થયા હતા. હાલમાં શિયા મુસ્લિમો પર થયેલો હુમલો પણ આતંકવાદીઓ દ્વારા થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. જેમાં 50થી વધુ લોકો માર્યા ગયા હતા. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 12 સેનાના જવાનો શહીદ થયા હતા, અને છ આતંકી માર્યા ગયા હતા.

આર્થિક કટોકટી

પાકિસ્તાન કોરોના મહામારી બાદથી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે. મોંઘવારી આસમાને પહોંચતાં ચોરી, લૂંટફાટની ઘટનાઓ વધી છે. રાજકીય સ્તરે પણ સત્તા ડામાડોળ થઈ રહી છે. પાકિસ્તાન પર દેવાનો બોજો સતત વધી રહ્યો છે.

4000થી વધુની ધરપકડ, પાકિસ્તાનમાં ફરી અરાજકતા, ઈમરાન ખાનના સમર્થકો ઊતર્યા માર્ગો પર 2 - image


Google NewsGoogle News