સાદિક ખાન રેકોર્ડ ત્રીજી વખત લંડનના મેયર બન્યાં, ભારતીય મૂળના ઉમેદવાર તરુણ ગુલાટી હાર્યા
Image : Wikipedia |
Sadiq Khan Mayor Of London: બ્રિટનની લેબર પાર્ટીએ લંડન અને મધ્ય ઈંગ્લેન્ડ મેયરની ચૂંટણીમાં શાનદાર જીત મેળવી વર્ષના અંતે યોજાનાર સામાન્ય ચૂંટણીથી પહેલા ઋષિ સુનકની કંઝર્વેટિવ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. શનિવારે લંડનના મેયર તરીકે સાદિક ખાને રેકોર્ડ ત્રીજી વખત જીત મેળવી હતી. સાદિક ખાન પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિક છે. 2016થી તેઓ લંડનના મેયર છે. તેમની પાર્ટીને ગાઝા-ઈઝરાયલ યુદ્ધમાં ઈઝરાયલની ટીકા ન કરવા છતાં મુસ્લિમ વસતીએ તેમને ભારે વોટથી જીતાડ્યાં છે. જ્યારે ભારતીય મૂળના તરુણ ગુલાટી મેયર પદની રેસમાં ઘણાં પાછળ રહી ગયા હતા.
કેટલાં વોટ મળ્યાં
પાકિસ્તાની મૂળના 53 વર્ષીય લેબર પાર્ટીના ઉમેદવાર સાદિક ખાનને 43.8 ટકા વોટ સાથે 10 લાખ 88 હજાર 225 વોટ મળ્યા જ્યારે તેમના હરીફ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર સુસાન હોલને 8 લાખ 11 હજાર 518 વોટ મળ્યા. દિલ્હીમાં જન્મેલા ઉદ્યોગપતિ તરુણ ગુલાટી જેઓ મેયર પદ માટે 13 ઉમેદવારોમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા, તેઓ આ રેસમાં ઘણા પાછળ રહી ગયા હતા.