પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ મુદ્દે મસ્કની બ્રિટિશ PMને જેલભેગા કરવાની માગ, સ્ટાર્મરનો જૂઠાણું ફેલાવ્યાનો દાવો
UK Child Grooming Gangs Case: વિશ્વભરમાં ચર્ચિત બનેલો યુકેનો ચાઈલ્ડ ગ્રૂમિંગ ગેંગ્સ કેસમાં ટેસ્લાના માલિક અને ટોચના ધનિક બિઝનેસમેન ઈલોન મસ્કે બ્રિટનના વડાપ્રધાન પર આકરા આરોપો મૂકતાં તેમને જેલભેગા કરવાની માગ કરી છે. તો બીજી તરફ બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે મસ્કના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી જૂઠાણું ફેલાવી રહ્યા હોવાનો આરોપ મૂક્યો છે.
સ્ટાર્મરે એક પ્રેસ કોન્ફરન્સમાં મસ્કનું નામ લીધા વિના જણાવ્યું હતુ કે, ‘લોકો ખોટી અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યા છે. તેમને પીડિતો પ્રત્યે કોઈ લાગણી નથી, તેઓ માત્ર પોતાનું હિત જ વિચારે છે. 2008થી 2013 દરમિયાન હું પ્રોસિક્યુશન સર્વિસનો ડિરેક્ટર હતો. ત્યારે ગ્રૂમિંગ ગેંગ વિરૂદ્ધ પ્રથમ કેસ નોંધાયો હતો. મેં જે પણ કેસ હાથમાં લીધો છે, તેને કોર્ટ સુધી પહોંચાડ્યો છે અને જરૂરી કાર્યવાહી પણ કરાવી છે. કેટલીક બંધ ફાઈલો મેં ફરી ખોલાવી છે, તપાસ કરાવી છે.’
ઈલોન મસ્કે લેબર સરકારને ઘેરી
ઈલોન મસ્કે ચાઈલ્ડ ગ્રૂમિંગ ગેંગ્સ મામલે લેબર પાર્ટીની સરકાર પર પણ પ્રહારો કર્યા છે. મસ્કે કહ્યું કે, સ્ટાર્મર ગ્રૂમિંગ ગેંગ્સ કેસનો તપાસ કરી રહેલી કમિટીના અધ્યક્ષ હોવાથી તેમણે આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા મંજૂરી આપી ન હતી. વધુમાં મસ્કે બ્રિટનના કિંગ ચાર્લ્સ સમક્ષ સ્ટાર્મરને પીએમ પદેથી બરતરફ કરી જેલ મોકલવાની માગ કરી હતી.
શું હતો ચાઈલ્ડ ગ્રૂમિંગ ગેંગ્સ કેસ?
યુકેમાં સગીરાઓના અપહરણ, નાણાંની લાલચ, ડ્રગ્સ અને બ્રેઈન વોશ કરી ફસાવી દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું હતું. બાળ તસ્કરી અને ધાક-ધમકીના કિસ્સા પણ વધ્યા હતી. 2001માં અંગ્રેજ સગીરાઓ ગ્રૂમિંગ અને દુષ્કર્મનો ભોગ બની રહી હોવાની જાણ થઈ હતી. પરંતુ આ કેસના આરોપીઓ 2010માં પકડ્યા હતાં. પાંચ પાકિસ્તાનીઓ વિરૂદ્ધ 12 કે તેથી વધુ વર્ષની અનેક સગીરાઓ પર અત્યાચાર-દુષ્કર્મ અને બાળ તસ્કરી કરી રહ્યા હોવાના વિવિધ આરોપો મૂકાયા હતા. આ પેટર્ન યુકેના 50થી વધુ શહેરોમાં જોવા મળી હતી. પાકિસ્તાન મૂળની અમુક ગેંગ્સ આ પ્રકારનું રેકેટ ચલાવી રહી હતી. 2022માં અમુક પીડિતાઓ દુનિયા સમક્ષ આવી પાકિસ્તાન મૂળ ગેંગ્સ દ્વારા ગ્રૂમિંગ રેકેટ ચલાવી રહ્યા હોવાનો આરોપ મૂક્યો હતો.
1000થી વધુ સગીરાઓ ચાર દાયકાથી દુષ્કર્મનો ભોગ બની
પ્રો.એલેક્સ જે કમિટીના રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, 1997થી 2013 દરમિયાન 1400થી વધુ સગીરાઓનું યૌન શોષણ થયુ હતું. જેમાં મોટાભાગની વય 11 વર્ષની હતી. તમામ આરોપીઓ પાકિસ્તાની મૂળના હતાં. ઈંગ્લેન્ડમાં બાળ તસ્કરી, યૌન શોષણના કિસ્સા હજી પણ બની રહ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, 2017થી 2022 દરમિયાન 15000થી વધુ બાળકો પર જાતિય શોષણનું જોખમ રહ્યું હતું. છેલ્લા ચાર દાયકાથી 1000થી વધુ બાળકીઓ દુષ્કર્મનો ભોગ બની હતી. પોલીસ અને સત્તાધીશો અમુક આરોપીઓની ધરપકડ કરી હોવા છતાં આખો મામલો ઉકેલી શક્યા નથી. રાજકીય પક્ષો બાળકોની સુરક્ષાના બદલે પોતાનો હોદ્દો જાળવવાને પ્રાધાન્ય આપી રહ્યા હોવાના અનેક આરોપો મૂકાયા છે.