ઈમરાનના પક્ષે ‘ચૂંટણીમાં ગેરરીતિના પુરાવા’ અપલોડ કર્યા, સરકારે વેબસાઈટ જ બંધ કરી દીધી
અમારા ઉમેદવારો જીત્યા હોવાનું સર્ટિફિકેટ છતાં ચૂંટણી પંચે હારેલા જાહેર કર્યા : ગૌરી ખાનનો દાવો
પીટીઆઈએ ‘વિજેતા ઉમેદવારનું ફોર્મ-45’ ઉપલોડ કર્યા બાદ પાકિસ્તાન સરકારે વેબસાઈટ બંધ કરી દીધી
Pakistan Election : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ (PTI)એ ચૂંટણીમાં થયેલી ગેરરીતિના પુરાવા વેબસાઈટ પર અપલોડ કરતા સરકારે કડક કાર્યવાહી છે. કાર્યવાહક સરકારે પીટીઆઈની પાર્ટીની વેબસાઈટ પર પ્રતિબંધ લાદી દીધો છે. પીટીઆઈની વેબસાઈટ insaf.pk પર ફોર્મ 45 અપલોડ કરાયા બાદ પ્રતિબંધ લાદી દેવાયો છે.
પીટીઆઈના નેતાઓ કોર્ટ પહોંચ્યા
પાકિસ્તાનમાં ગુરુવાર આઠમી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, ત્યાર બાદ તુરંત મતગણતરી કરાઈ હતી. શુક્રવારે નવમી ફેબ્રુઆરી સુધીમાં પરિણામ જાહેર થઈ જવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. જોકે દેશભરમાં ચૂંટણી પરિણામોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ મામલે પીટીઆઈના નેતાઓએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. આ અગાઉ પીટીઆઈએ ચૂંટણી પંચને ધમકી આપી હતી કે, તેઓ ચૂંટણીના તમામ પરિણામો જાહેર કરે અથવા વિરોધ પ્રદર્શનનો સામનો કરવાની તૈયારી રાખે.
ગેરરીતિના વીડિયો અપલોડ કરાયા
પાર્ટીના નિવેદન બાદ થોડાંક કલાકોની અંદર જ પેશાવર અને કરાંચીમાં ભારે વિરોધ શરૂ થયો હતો. પીટીઆઈના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર ઉપરાંત પાર્ટીના ઝંડા સાથે રસ્તા પર આવી ગયા હતા. આ ઉપરાંત નેશનલ એસેમ્બલીની 28 બેઠકો અને અન્ય એસેમ્બલની બેઠકોમાં પણ ગેરરીતિ અને હેરાફેરી મામલે પેશાવરમાં ભારે વિરોધ થયો. આટલું જ નહીં, પીટીઆઈએ સિયાલકોટ, કરાંચી અને બલુચિસ્તાનમાં થયેલી ગેરરીતિના પણ વીડિયો અપલોડ કર્યા.
170 બેઠકો જીતવાનો દાવો
પીટીઆઈ પ્રમુખ ગૌહર અલી ખાને કહ્યું કે, ‘કેટલીક બેઠકો પર અમને પહેલા વિજેતા કરાયા હતા, તે સાથે અમારી પાર્ટી 170 બેઠકો જીતી છે. અમારી પાસે પાર્ટી સમર્થિત ઉમેદવારો જીતી ગયા હોવાના મતદાન કેન્દ્રના ફોર્મ 45નું સર્ટિફિકેટ છે, પરંતુ ચૂંટણી પંચે તેને અસફળ જાહેર કર્યા છે.