પાકિસ્તાનઃ સાઉદી અરબ ભીખ માંગવા જઈ રહેલા ભિખારીઓના એક જૂથની એરપોર્ટ પર ધરપકડ

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનઃ સાઉદી અરબ ભીખ માંગવા જઈ રહેલા ભિખારીઓના એક જૂથની એરપોર્ટ પર ધરપકડ 1 - image

image : Socialmedia

ઈસ્લામાબાદ,તા.30.સપ્ટેમ્બર,2023

આર્થિક મોરચે કંગાળ પાકિસ્તાનના નેતાઓ દરેક દેશ પાસે મદદની ભીખ માંગીને દેશની આબરુના ધજાગરા કરી રહ્યા છે.હવે બાકી હતુ તેમ પાકિસ્તાનના ભિખારીઓ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને નીચુ દેખાડી રહ્યુ છે.

તાજેતરમાં પાકિસ્તાની સેનેટમાં ખુલાસો થયો હતો કે, વિદેશમાં ભીખ માંગતા પકડાયેલાઓમાં 90 ટકા પાકિસ્તાની હોય છે. હવે પાકિ્સ્તાની સત્તાધીશોએ આ વાતની નોંધ લઈને કડકાઈ દાખવવા માંડી છે. પાકિસ્તાનની કેન્દ્રીય એજન્સીએ શુક્રવારે સાઉદી અરબ જઈ રહેલા ભિખારીઓના એક જૂથને એરપોર્ટ પર જ પકડ્યુ હતુ. આ તમામ લોકો યાત્રાળુઓ બનીને જઈ રહ્યા હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા.

પાકિસ્તાનના અખબારે અધિકારી ખાલિદ અનીસને ટાંકીને કહ્યુ હતુ કે, આ તમામની પાછળ નૂરો નામનો એજન્ટ છે. તે લોકોને સાઉદી અરબના પવિત્ર શહેરમાં લઈ જવામાં મદદ કરે છે અને ત્યાં આ લોકો ભીખ માંગે છે. કુલ મળીને આઠ મહિલા, ચાર પુરુષ અને ચાર બાળકોની ધરપકડ કરવામાં આવી છે. જેઓ પંજાબ પ્રાંતના રહેવાસી છે.

રિપોર્ટ પ્રમાણે મુલતાન એરપોર્ટ પર પકડાયેલા લોકોની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની સરકારના સચિવ જિશાન ખાનઝાદાએ સેનેટમાં સ્ટેન્ડિંગ કમિટિને જાણકારી આપી હતી કે, પાકિસ્તાનના લગભગ 10 લાખ નાગરિકો વિદેશમાં છે અને તેમાંના ઘણા લોકો ભીખ માંગી રહ્યા છે. તેઓ બીજા દેશોના વિઝા લે છે અને પછી ત્યાં ભીખ માંગવા માંડે છે. સંખ્યાબંધ કિસ્સામાં તો પાકિસ્તાનથી રવાના થતા વિમાનો ભીખારીઓથી જ ભરેલા રહે છે. અરબ દેશોમાં  ડિટેન થનારા 90 ટકા લોકો પાકિસ્તાની ભીખારીઓ હોય છે.


Google NewsGoogle News