'પાકિસ્તાની ભાઈઓ મને માફ કરી દો...' ચોતરફી ટીકા બાદ ભાગેડું ઝાકીર નાઈકે માફી માગી
Zakir Naik: વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકે પાકિસ્તાનમાં માફી માંગવી પડી છે. ઝાકિર નાઈકે હાલમાં જ એક કાર્યક્રમમાં પાકિસ્તાન એરલાઈન્સ (PIA)ની મજાક ઉડાવી હતી, જેનાથી પાકિસ્તાનીઓ નારાજ થયા હતા. દેશભરમાં તેમની આલોચના થયા પછી, ડૉ ઝાકિર નાઈકે PIA પરની તેમની ટિપ્પણી માટે પાકિસ્તાની લોકોની માફી માંગતા કહ્યું હતું કે, 'મે આ ટિપ્પણી અજાણતા કરી હતી અને તેનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.'
આ અઠવાડિયાની શરૂઆતમાં, નાઈકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે ગયા મહિને પાકિસ્તાનની મુલાકાત દરમિયાન વધુ સામાનની ફી વસૂલવા બદલ PIAની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા.
ઝાકિર નાઈકે શું કહ્યું?
પાકિસ્તાન ગયેલા ઝાકિરે કહ્યું હતું કે, 'હું પાકિસ્તાન આવી રહ્યો હતો અને અમારો સામાન 1000 કિલો હતો. મેં PIAના CEO સાથે વાત કરી. સ્ટેશન મેનેજરે મને કહ્યું કે, 'હું તમારા માટે કંઈ પણ કરવા તૈયાર છું. મેં જવાબ આપ્યો, 'મારી પાસે 500-600 કિલો વધારાનો સામાન છે.' તેઓએ મને 50 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કર્યું. મેં તેમને સ્પષ્ટ કહ્યું કે કાં તો મફતમાં આપો અથવા છોડી દો. ભારતમાં મારી પાસે સામાન બદલ કોઈ ફી વસૂલવામાં નથી આવતી. ત્યાં મને મને જોતાની સાથે જ 1000-2000 કિલો વજન માફ કરી આપે છે અને અહીં પાકિસ્તાનમાં જ્યાં હું સરકારી મહેમાન છું ત્યાં મને 50 ટકા છૂટછાટ આપવામાં આવી રહી છે.'
Following social media backlash, Dr. Zakir Naik apologizes to the Pakistani public for his recent comments about #PIA after a request from Governor Sindh Kamran Tessori. He clarified that the remarks were unintentional and meant no harm.#ZakirNaik #DrZakirNaik https://t.co/KFFWDMGpT4 pic.twitter.com/6L9ghPanOu
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) October 10, 2024
પાકિસ્તાને ટીકા કરી
નાઈકની આ ટિપ્પણીથી પાકિસ્તાનીઓ નારાજ થયા હતા. ઘણા લોકોએ એવું પણ કહ્યું કે જેમણે પણ નાઈકને આમંત્રિત કર્યા છે, તેઓ મહેબાની કરીને ફરી એમને આમંત્રણ ન આપશો. PIAએ તેમની પાસે પૂરી કિંમત માંગવાની જરૂર હતી. કારણ કે કોઈપણ સાચો ઇસ્લામી ઉપદેશક ક્યારેય કોઈ વિશેષ વ્યવહારની માંગ નથી કરતા.
નાઈકે માફી માંગી
નાઈકે માફી માંગતા કહ્યું હતું કે, 'હું ભૂલી ગયો હતો કે આવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે 'સ્વર્ગનો પાસપોર્ટ' મેળવવાનું અંતિમ ધ્યેય છે. જો મારા શબ્દોથી મારા પાકિસ્તાની ભાઈઓ નારાજ થયા હોય તો હું દિલથી માફી માંગુ છું.'
ઝાકિર નાઈક ભારતમાં વોન્ટેડ છે
નાઈક ભારતમાં ધાર્મિક નફરત અને ઉગ્રવાદ ફેલાવવાના આરોપો સાથે મની લોન્ડરિંગના કેસમાં કથિત સંડોવણી માટે વોન્ટેડ છે. નાઈક તેની જેહાદી માનસિકતાને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનમાં ટીકાઓનો પણ સામનો કરી રહ્યો છે.